હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમિયાન જાહેરનામું અમલમાં
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા એપ્રિલ-૨૦૨૬ દરમિયાન વિવિધ પરીક્ષાઓ તા.૦૨/૦૫/૨૦૨૬ થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને નિયમિત વાતાવરણમાં યોજાઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષા સમય દરમિયાન મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ઉપરાંત પરીક્ષા સાથે સીધા સંકળાયેલા વ્યક્તિઓ સિવાય ચાર કે તેથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. સૂત્રોચ્ચાર, રેલી, સરઘસ, લાઉડસ્પીકરનો ઉપયોગ તેમજ પથ્થર જેવા પ્રક્ષેપણાત્મક પદાર્થો લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ અને સ્કેનિંગની સુવિધા ધરાવતા કેન્દ્રો પણ બંધ રાખવાના રહેશે.
જાહેરનામા હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટ, પરીક્ષા સમિતિના અધિકારીઓ, પરીક્ષા કામગીરીમાં રોકાયેલ સ્ટાફ, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ઓ તથા ફ્લાઈંગ સ્કવોર્ડના અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સ્થળ ઉપર હાજર સુરક્ષા અધિકારી દ્વારા પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
