શંખેશ્વર પાસે કાળમુખો અકસ્માત: સ્પોર્ટ્સ KTM બાઇક અને રિક્ષાની ધડાકાભેર ટક્કરમાં બે યુવાનના મોત

રસ્તા પર લોહીલુહાણ મૃતદેહો, ચીસો અને ચકચારથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં શનિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શંખેશ્વર તાલુકાના રાતનપુર પાટિયા પાસે સ્પોર્ટ્સ KTM બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયેલી ધડાકાભેર ટક્કરમાં બે યુવાનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહો જોઈ સ્થાનિક લોકોના દિલ કંપી ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે આશરે 10:30 કલાકે શંખેશ્વરના રાતનપુર પાટિયા પાસે આવેલા શક્તિમાતાના મંદિર નજીક આ અકસ્માત સર્જાયો હતો. પંચાસર ગામના ઠાકોર કાડુજી પ્રતાપજી (ઉં.20) રિક્ષામાં રસોઈનો સામાન ભરી પંચાસર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન શંખેશ્વર તરફથી KTM સ્પોર્ટ્સ બાઇક પર લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા મૂળ મેમણા ગામના અને હાલ શંખેશ્વર રહેતા ઠાકોર રણજિતજી કાળુજી (ઉં.25) પૂરઝડપે આવી રહ્યા હતા.
રાત્રિના અંધકાર વચ્ચે બંને વાહનો સામસામે આવી જતા જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે રિક્ષા અને બાઇકનો કુરચો બોલી ગયો હતો. ટક્કરનો જોરદાર અવાજ સાંભળી સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં રિક્ષાચાલક ઠાકોર કાડુજી પ્રતાપજી (ઉં.20)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે KTM બાઇક ચલાવતા ઠાકોર રણજિતજી કાળુજી (ઉં.25)એ પણ ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા.
બાઇક પાછળ બેઠેલા કલ્પેશ મનુજી ઠાકોર (ઉં.23)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ શંખેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં વાહનોની અતિશય ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ભારે જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. બે આશાસ્પદ યુવાનના અકાળે મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર