મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન મુદ્દે તલાટી મંત્રી મંડળમાં રોષ

પાટણ : સરકારી મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન અને જાતિવાચક અત્યાચાર મામલે તલાટી મંત્રી મંડળનો ઉગ્ર વિરોધ
આરોપી જાહેર પ્રતિનિધિઓની તાત્કાલિક ધરપકડ, સસ્પેન્શન અને ભ્રષ્ટાચાર મુદ્દે ફોજદારી તપાસની માંગ સાથે કલેક્ટર, ડીડીઓ અને એસપીને આવેદનપત્ર પાઠવાયું..
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લામાં ધાણોધરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાથે થયેલા અભદ્ર વર્તન, ફરજમાં રુકાવટ, જાતિવાચક શબ્દો દ્વારા અપમાન અને દબાણના ગંભીર મામલે પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ તથા ચાણસ્મા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આરોપી જાહેર પ્રતિનિધિઓ દ્વારા એક અનુસૂચિત જાતિની મહિલા સરકારી કર્મચારી સાથે અત્યંત અપમાનજનક અને દબાણયુક્ત વર્તન કરવામાં આવ્યું હતું. મહિલા કર્મચારી પોતાની કાયદેસરની ફરજ બજાવી રહી હતી તે દરમિયાન તેમને કામગીરીમાં અવરોધ ઉભો કરી માનસિક દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. સાથે સાથે સરકારી કામોના બિલો તથા દસ્તાવેજો મનસ્વી રીતે મંજુર કરાવવા માટે દબાણ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

પાટણ જિલ્લા તલાટી મંડળ અને ચાણસ્મા તાલુકા તલાટી મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જાહેર પદ પર બેસેલા પ્રતિનિધિઓએ સત્તાનો દુરુપયોગ કરી સરકારી તંત્રમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં મહિલા કર્મચારી અનુસૂચિત જાતિની હોવા છતાં તેમના વિરુદ્ધ જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને લઈને સમગ્ર મામલો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળનો ગંભીર ગુનો બનતો હોવાનું જણાવાયું છે.
પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ અને ચાણસ્મા તાલુકા તલાટી મંડળ એ રજૂઆતમાં જણાવ્યું છે કે આ પ્રકારના ગુનાઓ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર સરકારી તંત્ર, મહિલા સન્માન અને કાયદો વ્યવસ્થાને પડકાર સમાન છે. જો આવા મામલાઓમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખાસ કરીને મહિલા અને અનુસૂચિત જાતિના સરકારી કર્મચારીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી વધશે.
મંડળ દ્વરા મુખ્યત્વે બંને આરોપીઓની તાત્કાલિક કાયદેસરની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત તપાસ દરમિયાન પુરાવાઓ સાથે ચેડાં ન થાય તથા સાક્ષીઓ ઉપર દબાણ ન આવે તે માટે આરોપીઓને જાહેર પદ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી છે. સરકારી રેકોર્ડમાં ગેરરીતિપૂર્વક બિલો મંજુર કરાવવા માટે કરાયેલા દબાણ અને સંભવિત ભ્રષ્ટાચાર મુદ્દે અલગથી વિભાગીય તેમજ ફોજદારી તપાસ હાથ ધરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.આ સમગ્ર મામલે જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ અને ચાણસ્મા તાલુકા તલાટી કમ મંત્રી મંડળે સંયુક્ત રીતે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
