ડભોઇ તાલુકાની પી.એમ.શ્રી વણાદરા પ્રાથમિક શાળા ખાતે રંગોત્સવ ૨૦૨૬ અને વિદાય સમારંભની ભવ્ય ઉજવણી: સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સમારોહ યોજાયો

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળા ખાતે રોજ વાર્ષિક મહોત્સવ “રંગોત્સવ ૨૦૨૬ અને ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અત્યંત ઉત્સાહપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે એસએમસી સભ્યો, શાળા પરિવાર, વાલીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સવારે શાળાના વિશાળ પ્રાંગણમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો દર્શાવતા નૃત્યો અને વર્તમાન સામાજિક વિષયો પર આધારિત નાટકોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન: શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અભ્યાસ, રમતગમત, ચિત્રકલા અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શાળાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વાલીઓએ પણ ભારે હર્ષનાદ કર્યો હતો.

ભાવભીની વિદાય અને સંભારણા: કાર્યક્રમનો ઉત્તરાર્ધ ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિદાય લેતા વિદ્યાર્થીઓએ શાળા સાથેના પોતાના આઠ વર્ષના ખાટા-મીઠા અનુભવો અને સંસ્મરણો વહેંચ્યા હતા, જેને સાંભળી સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
શિક્ષકોના પ્રેરક આશીર્વચન આ પ્રસંગે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવનના નવા સોપાન માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય હરીશ પટેલ દ્વારા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કેશાળા એ માત્ર અક્ષરજ્ઞાનનું કેન્દ્ર નથી, પણ જીવન ઘડતરની પાઠશાળા છે. અહીં શીખેલા સત્ય, શિસ્ત અને પરિશ્રમના પાઠ તમને ભવિષ્યના દરેક પડકાર સામે લડવાની શક્તિ આપશે
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ અને ભોજન બાદ સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શાળાના આ સફળ આયોજનની ગ્રામજનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
