હારીજ ખાતે મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

“પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે : પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન IYOM-2023 અંતર્ગત “મિલેટ ડેવલપમેન્ટ યોજના” તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ૨૨મા હપ્તાનું વિતરણ પ્રસંગે તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ હારીજ તાલુકાના ખાખડી રોડ સ્થિત ઠાકોર સમાજની વાડી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી વીરાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ લિંક મારફતે કરવામાં આવ્યું હતું, જેમાં હારીજ તાલુકાના બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું રાજ્યપાલના હસ્તે લખાયેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષયક પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા અમલીકરણ અધિકારી તથા બાગાયત અધિકારી અમિતભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ખેડૂત ભાઈઓ-બહેનોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી વીરાજી ઠાકોરે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ઘટાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને જરૂરી અસ્ત્રો તૈયાર કરવાની રીત વિશે માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ હારીજ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત તથા નેચરલ ફાર્મિંગના તાલુકા સંયોજકે ખેડૂત ઉત્પાદક કંપની (FPO) અંગે માહિતી આપી હતી. ઉપરાંત એકલવાના પ્રગતિશીલ ખેડૂત ચૌધરી કલ્પેશભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો શેર કરીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે વિસ્તરણ અધિકારી જીતેન્દ્રસિંહ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો તથા ખેડૂતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
