હારીજમાં પૂર્વ ભાજપ પ્રમુખના પુત્રના લગ્નનો વિવાદ, સમાજનું બંધારણ તોડ્યું, સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ

કેપિટલ મેસેજ, ન્યુઝ
હારીજમાં ઠાકોર સમાજમાં લગ્ન વિવાદ..VIP વ્યવસ્થાના આક્ષેપથી ઠાકોર સમાજમાં અસંતોષ, વીડિયો વાયરલ
પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે હવે મોટો સામાજિક વિવાદ ઉભો થયો છે. પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના પુત્રના લગ્ન સમારંભમાં સમાજના બંધારણનો ભંગ થયો હોવાના આક્ષેપો સાથે આગેવાનો અને યુવાનોમાં ગરમાવો ફેલાયો છે.
લગ્ન પ્રસંગ દરમિયાન મહેમાનો માટે અલગ VIP રિસેપ્શન, અલગ ભોજન વ્યવસ્થા તેમજ વિશેષ VIP કંકોત્રી છપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમાજના નિયમો મુજબ સમાનતા જાળવવાની પરંપરા હોવા છતાં ભેદભાવપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
લગ્ન પ્રસંગે કેટલાક રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન થયેલી વ્યવસ્થાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. યુવા આગેવાન અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પ્રશ્ન ઉઠાવ્યો કે શું સમાજના નિયમો થોડા લોકોને જ લાગુ પડે છે?
મામલો બહાર આવતા ઠાકોર સમાજમાં ભારે ચર્ચા અને અસંતોષ ફેલાયો છે. સમાજના આગેવાનો દ્વારા બેઠક બોલાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને જરૂરી હોય તો કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.હારીજમાં લગ્નથી શરૂ થયેલો આ વિવાદ હવે સામાજિક પ્રશ્ન બની ગયો છે અને સમાજમાં એકતા તથા સમાનતાના મુદ્દે નવી ચર્ચા જગાવી રહ્યો છે.
રિપોર્ટ:અનિલ રામાનુજ રાધનપુર
