મેમદાવાદ બેઠક પર અપક્ષ નયનાબેન સાધુ મેદાને, ઉમેદવારી સાથે રાજકીય સમીકરણોમાં ખળભળાટ

સમર્થકોના જોરદાર સપોર્ટ સાથે નયનાબેન સાધુ અપક્ષની ટિકિટ સાથે મેદાને, વિકાસના મજબૂત એજન્ડા સાથે જીતનો દ્રઢ વિશ્વાસ
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર તાલુકાની મેમદાવાદ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે નયનાબેન ભગવાનદાસ સાધુએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી જંગમાં નવી ચેતના પ્રસરી છે. ઉમેદવારી નોંધાવાના પ્રસંગે નયનાબેન સાધુએ ભારે શક્તિપ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલ રાજકીય રંગે રંગાઈ ગયો હતો.

ઉમેદવારી નોંધાવવા માટે તેઓ રેલીના સ્વરૂપમાં કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સમર્થકોના ઉત્સાહભેર નારેબાજી અને સમર્થનના ઘોષવાક્યો વચ્ચે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ દ્રશ્યોએ સ્પષ્ટ સંકેત આપ્યો કે મેમદાવાદ બેઠક પર ચૂંટણી સ્પર્ધા હવે વધુ જોરદાર બનવાની છે.
ઉમેદવારી બાદ નયનાબેન સાધુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને જનતાના આશીર્વાદથી વિજયી બનશે તેવો તેમને પૂરો વિશ્વાસ છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ઉકેલની રાહ જોતા પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી.

તેમણે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખતા જણાવ્યું કે વિસ્તારના રોડ-રસ્તાઓને મજબૂત અને ટકાઉ બનાવવામાં આવશે, દરેક ઘર સુધી શુદ્ધ પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે અને ગટર લાઇન તથા આધુનિક ડ્રેનેજ વ્યવસ્થાથી સ્વચ્છતા જાળવવામાં આવશે. ઉપરાંત અટવાયેલા તમામ વિકાસલક્ષી કામોને ગતિ આપી સમયસર પૂર્ણ કરવા તેઓ સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ અવસર પર હાજર સમર્થકોમાં પણ જીત અંગેનો ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જેના પરિણામે મેમદાવાદ બેઠક પર રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બનતો જઈ રહ્યો છે અને ચૂંટણી જંગ વધુ કટોકટીપૂર્ણ બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ)
