પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

ભુસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: પાટણ એલસીબીએ રૂ.60.91 લાખનો મુદ્દામાલ ઝડપી, બે આરોપી ઝડપાયા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ: આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવાના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ, પાલનપુર) તથા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ પાટણ એલસીબીને મોટી સફળતા મળી છે. સમી પોલીસ સ્ટેશન વિસ્તારેથી ભુસાની બોરીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતી ટ્રક ઝડપી પાડી પોલીસે રૂ.60,91,900ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અશોક લેલન ટ્રક નંબર RJ-19-GF-7749ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ઉપરથી ભુસાની બોરીઓ મૂકીને નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવી તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 22,800 બોટલ/ટીન મળી આવી હતી, જેની કિંમત રૂ.45,73,560 થાય છે. ઉપરાંત ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.60,91,900નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે રાજેશ દેવારામ જાટ (ઉ.વ.22), રહે. ગુરૂસીયોકા તલા, તા. શીવ, જી. બાડમેર (રાજસ્થાન) તથા જગદીશ નારાણારામ જાટ, રહે. ઉંચાવડા કાશ્મીર, તા. શીવ, જી. બાડમેર (રાજસ્થાન) ને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં દારૂ સપ્લાય કરનાર પ્રકાશ બિશ્નોઇ (ગુડામાલાણી, રાજસ્થાન), પાયલોટિંગ કરનાર બાલાજી તેમજ કડીનો એક અજાણ્યો દારૂ મંગાવનાર ઇસમ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી દારૂ ઉપરાંત અશોક લેલન ટ્રક, ભુસાની 78 બોરીઓ, ત્રણ મોબાઇલ ફોન, એક તાડપત્રી અને બે નંબર પ્લેટ સહિત કુલ રૂ.60.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, પો.સબ.ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી, એએસઆઈ લાલાભાઈ ચેહાભાઈ, એએસઆઈ ઘનશ્યામસિંહ જગતસિંહ તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
પોલીસે પકડાયેલા આરોપીઓ તેમજ દારૂ સપ્લાય કરનાર, મંગાવનાર અને પાયલોટિંગ કરનાર આરોપીઓ સામે સમી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
