પાટણના દિગડી તમાકુ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ભારે હોબાળો..

પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ, હરાજી તાત્કાલિક અટકાવી દેવાઈ.
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ તાલુકાના દિગડી ગામે આવેલ તમાકુ સબ માર્કેટયાર્ડમાં આજે ખેડૂતોનો ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટયાર્ડ પરિસરમાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને ચાલી રહેલી હરાજી તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે હાલ તમાકુના ભાવ મણ દીઠ ₹૧૫૦૦થી પણ નીચા બોલાતા હોવાથી તેમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન મોંઘા બિયારણ, ખાતર, દવાઓ, સિંચાઈ અને મજૂરી પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ પાક તૈયાર થયા બાદ બજારમાં પૂરતો ભાવ ન મળતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે.માર્કેટયાર્ડમાં નીચા ભાવોની જાહેરાત થતા જ હાજર ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અનેક ખેડૂતોએ એકસુરે જણાવ્યું હતું કે હાલના ભાવમાં તમાકુનું વેચાણ કરવું એટલે સીધું નુકસાન સહન કરવું. જેના પગલે ખેડૂતો માર્કેટયાર્ડમાં જ એકઠા થયા અને વિરોધ સાથે હરાજી અટકાવી દીધી હતી.આંદોલન કરી રહેલા ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તમાકુના ભાવ ઓછામાં ઓછા ₹૧૫૦૦ અથવા તેથી વધુ આપવામાં આવે, જેથી તેમનો મૂળ ખેતી ખર્ચ તો નીકળી શકે. ખેડૂતોનું કહેવું છે કે જો આવક કરતા ખર્ચ વધુ રહેશે તો આવનારા સમયમાં તમાકુની ખેતી કરવી મુશ્કેલ બની જશે.

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી યોગ્ય અને પોષણક્ષમ ભાવ આપવાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી હરાજી ફરી શરૂ કરવા દેવામાં આવશે નહીં. ખેડૂતોના આકરા વલણને કારણે માર્કેટયાર્ડમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.બીજી તરફ, માર્કેટયાર્ડના કર્મચારીઓ અને વ્યાપારીઓ દ્વારા ખેડૂતો સાથે ચર્ચા કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ખેડૂતોના માલને અનુરૂપ યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં પ્રયત્નો કરાશે તેવી સમજણ આપવામાં આવતા હાલ માટે મામલો થાળે પડ્યો હતો.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ સબ માર્કેટયાર્ડમાં આવેલા તમામ તમાકુના માલની હરાજી સ્થગિત રાખવામાં આવી હતી. હવે આ તમામ માલની હરાજી આવતીકાલે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. સાથે જ સબ માર્કેટયાર્ડ તરફથી ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે હાલ માટે તમાકુનો નવો માલ યાર્ડમાં ન લાવવામાં આવે.દિગડી તમાકુ માર્કેટયાર્ડમાં સર્જાયેલી આ પરિસ્થિતિએ એકવાર ફરી ખેતીપાકના ભાવનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ ક્યારે મળશે તે હવે જોવાનું રહ્યું.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ
