રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય



કેપિટલ મેસેજ
Capital message
ગાંધીનગર: ગુજરાત સરકારે રહેમરાહે (Compassionate Appointment) નિમણૂક પામેલા પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme – OPS)નો લાભ આપવા અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. 01 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરાયેલા ઠરાવ અનુસાર, નિર્ધારિત શરતો પૂર્ણ કરતા રહેમરાહે નિમણૂક મેળવનાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.
સરકારના ઠરાવ મુજબ, તા. 15 મે, 2004થી 31 માર્ચ, 2005 દરમિયાન અથવા તે પહેલાંની ભરતી પ્રક્રિયાના આધારે રહેમરાહે નિમણૂક માટે ફાળવણી (ભલામણ) પામેલા, પરંતુ 1 એપ્રિલ, 2005 બાદ નિયમિત નિમણૂક મેળવનાર અને નિર્ધારિત ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરીને નિયમિત સેવા મેળવનાર કર્મચારીઓ આ લાભ માટે પાત્ર ગણાશે.
આ નિર્ણય નાણા વિભાગના અગાઉના ઠરાવોના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે, જેથી લાંબા સમયથી જૂની પેન્શન યોજનાના લાભની રાહ જોતા રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને રાહત મળશે.
સરકારે વધુમાં જણાવ્યું છે કે પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે. સંબંધિત વિભાગોએ નાણા વિભાગના અગાઉના માર્ગદર્શક ઠરાવો મુજબ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી રહેમરાહે નિમણૂક પામેલા અનેક કર્મચારીઓ અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ લાભ મળશે તથા લાંબા સમયથી ચાલી રહેલી તેમની માંગને સંતોષ મળશે.
