સુજાનપુર ખાતે પ્રાકૃતિક ખેતી અને ખરીફ પાક અંગે કિસાન ગોષ્ઠિ યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સુજાનપુર ગામ ખાતે તા. 07/07/2026ના રોજ આત્મા (ATMA) કચેરી, સિદ્ધપુર દ્વારા ખેડૂતલક્ષી કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
ગોષ્ઠિ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, ખરીફ ઋતુના પાકોની વૈજ્ઞાનિક અને નવીન અભિગમથી ખેતી, ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી, જમીનના સ્વાસ્થ્યનું જતન તેમજ પાકમાં રોગ-જીવાતના અસરકારક અને સંકલિત નિયંત્રણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, પ્રાકૃતિક અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓ અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બાયફ (BAIF) યોજનાના પ્રતિનિધિ મહેશભાઈ રાવલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ આયોજન આત્મા કચેરી, સિદ્ધપુરના સ્ટાફના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો લાભ લઈ આધુનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
