પાટણ ભાજપ કાર્યાલયે રોહિદાસ જયંતિ અંગે બેઠક યોજાઇ

કેપિટલ મેસેજ
Capital message
પાટણ, તા. 06 ઓગસ્ટ, 2026
સંત શિરોમણી રોહિદાસ ભગવાનની ૬૫૦મી જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આયોજનને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
બેઠકમાં જણાવ્યા મુજબ આગામી 16 ઓગસ્ટે ગાંધીનગરથી સંત શિરોમણી રોહિદાસ ભગવાનના જન્મસ્થળની પવિત્ર માટીનો કળશ જિલ્લા કક્ષાએ પાટણ ખાતે પહોંચશે. ત્યારબાદ 17 ઓગસ્ટે જિલ્લા મુખ્યાલયથી તમામ તાલુકા, શહેર મંડળો તથા ગ્રામ પંચાયતવાર માટીના કળશનું વિતરણ કરવામાં આવશે.
19 થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના દરેક ગામમાં માટી કળશનું ભવ્ય સ્વાગત, પૂજન અને સમરસતા સંકલ્પના કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ 21 ઓગસ્ટે ગામના મંદિર ખાતે તુલસી ક્યારા અથવા પીપળા વૃક્ષ પાસે પવિત્ર માટીનું વિસર્જન કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા પ્રભારી સત્યેનભાઈ કુલાબકર, જિલ્લા મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ અને લાલજીભાઈ દેસાઈ, જિલ્લા સંયોજક જયેન્દ્રસિંહ વાધેલા, રમેશભાઈ ઠક્કર, કિશનભાઈ દેસાઈ, સોમાભાઈ પરમાર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી મનીષભાઈ સોલંકી, તેમજ તમામ મંડળોના સંયોજકો અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે તમામ કાર્યકરોને સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી અને સમરસતાનો સંદેશ ગામેગામ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
