રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો

રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપના CCTV ફૂટેજ વાયરલ, પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા
36.25 લાખની ઉચાપતના કેસના આરોપીને VIP સુવિધા અપાઈ હોવાના આક્ષેપ; RTI બાદ તત્કાલીન PI સહિત જવાબદાર સ્ટાફ સામે તપાસની માંગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાંથી ખાખી વર્દીની છબીને સવાલો ઉભા કરે તેવો ગંભીર મામલો સામે આવ્યો છે. અગીચાણા ગામની મંડળીમાં રૂ. 36.25 લાખની ઉચાપતના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી જહાંભાઈ રબારીને પોલીસ લોકઅપમાં કથિત રીતે વિશેષ સુવિધાઓ આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે લોકઅપના CCTV ફૂટેજ વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ અગીચાણા ગામની મંડળીમાં થયેલી રૂ. 36.25 લાખની ઉચાપતના કેસમાં પાટણ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તરફથી ફરિયાદ નોંધાયા બાદ આરોપી જહાંભાઈ રબારીને રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જોકે, અરજદાર ખેડૂત શંકાભાઈ દ્વારા માહિતીના અધિકાર (RTI) હેઠળ મેળવવામાં આવેલા CCTV ફૂટેજ વાયરલ થયા બાદ નવા પ્રશ્નો ઉભા થયા છે.
વાયરલ થઈ રહેલા CCTV ફૂટેજમાં લોકઅપની અંદર રહેલો આરોપી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ દૃશ્યો સાચા હોવાનું તપાસમાં સામે આવે, તો કડક સુરક્ષા ધરાવતા પોલીસ લોકઅપમાં મોબાઇલ ફોન આરોપી સુધી કેવી રીતે પહોંચ્યો અને તેને તેનો ઉપયોગ કરવાની તક કેવી રીતે મળી તે ગંભીર તપાસનો વિષય બની શકે છે.
અરજદાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીને લોકઅપમાં સામાન્ય કેદીની જેમ રાખવાના બદલે કથિત રીતે VIP સુવિધાઓ આપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં તે સમયના પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને સ્ટાફની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને તે સમયના PI આર. કે. પટેલના કાર્યકાળને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે.
સ્થાનિક સ્તરે એવી માંગ ઉઠી છે કે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વાયરલ CCTV ફૂટેજની ફોરેન્સિક અને વહીવટી તપાસ કરાવવામાં આવે. જો તપાસમાં કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા સંડોવણી સામે આવે, તો તેમની સામે કડક વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અરજદાર દ્વારા પુરાવા, CCTV ફૂટેજ અને RTIથી પ્રાપ્ત માહિતી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
