હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
હારીજ, પાટણ: પાટણ ડિવિઝન હેઠળના હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 19,622 બોટલ તેમજ અંદાજિત રૂ. 56,93,735 કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન અને સૂચના મુજબ હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 6 પ્રોહિબિશન ગુનાઓના મુદ્દામાલના નાશ માટે નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમ મેળવવામાં આવ્યો હતો.

આ કામગીરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડી.કે. મજેતરના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, મામલતદાર (ઇન્ચાર્જ) વિ.એ. વામદેવ, નશાબંધી અને આબકારી અધિક્ષક દીપક ગોર, નાયબ મામલતદાર કે.એસ. ચંપાવત, સર્કલ ઓફિસર એન.કે. સિંઘલ તથા પોલીસ ઇન્સપેક્ટર એ.બી. મહેરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુદ્દામાલનો નાશ હારીજ- મહેસાણા હાઇવે રોડ નજીક દાંતરવાડા ગામની સરકારી પડતર જમીન (સર્વે નં. 47 પૈકી 1) ખાતે નિયમ મુજબ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
