વિદ્યાર્થી કાળ એ જીવનના ઘડતરનો સુવર્ણકાળ છે, અને શાળા એ સંસ્કારોનું પવિત્ર ધામ છે : ડૉ. જય ધ્રુવ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વિદ્યાર્થીકાળ ખીલતા પુષ્પ સમાન છે તેમાં યોગ્ય સંસ્કારનું સિંચન કરીને પુષ્પકુંજ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકના ફાળે છે : ડૉ. ઝેડ.એન.સોઢા.
પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલમાં પ્રેરણાદાયી માહોલમાં નૂતન શૈક્ષણિક સત્રનો પ્રારંભ: અનોખી પહેલ અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી. આર. પટેલ ઉ.મા. શાળા, પાટણ ખાતે આજથી નૂતન શૈક્ષણિક સત્રનો પ્રારંભ એક અત્યંત પ્રેરણાદાયી અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યો હતો. શાળાના પ્રથમ દિવસે જ સંસ્થા દ્વારા એક નવી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી, જે સમગ્ર શૈક્ષણિક જગતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
શાળામાં જ્ઞાનની ગંગા વહાવતા ગુરુજનોનું સન્માન એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. આ પરંપરાને સાર્થક કરતા, નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરિવાર દ્વારા તમામ શિક્ષક ભાઈ-બહેનોનું કુમકુમ તિલક કરી, પુસ્તક અને કલમ અર્પણ કરીને વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રના ઘડવૈયા એવા શિક્ષકોના આ પ્રકારે થયેલા ગરિમાપૂર્ણ સ્વાગતે શાળાના વાતાવરણમાં એક નવો જ સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો.

નવા શૈક્ષણિક વર્ષમાં ઉત્સાહભેર પગ મૂકતા ધોરણ ૯ અને ૧૧ ના તમામ વિદ્યાર્થીઓનું શાળાના મુખ્ય દ્વાર પર કુમકુમ તિલક કરીને અને મોં મીઠું કરાવીને સ્નેહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ શાળા તરફથી મળેલા આ ઉષ્માભર્યા આવકારથી વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા આવેલા વિદ્યાર્થીઓને શાળાની શિસ્ત, કાર્ય પદ્ધતિ અને શૈક્ષણિક માળખાથી વિગતવાર વાકેફ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુવ્યવસ્થિત શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓનું વર્ગ વિભાજન કરીને તેમને સંબંધિત વર્ગખંડો ફાળવવામાં આવ્યા હતા, જેથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ સુચારુ રૂપે થઈ શકે.
આ સમગ્ર પ્રેરણાદાયી કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક અને પ્રેરણારૂપ કેમ્પસ સંચાલક ડો. જય ધ્રુવ ના નેતૃત્વમાં આ સુંદર આયોજન સફળ બન્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો. ઝેડ. એન. સોઢા, શાળાના સુપરવાઇઝરઓ હર્ષદભાઈ ડામોર તથા ગમનભાઈ સુથાર ,શાળા કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ અને સમગ્ર શાળા સ્ટાફ પરિવાર શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
