રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન યોજાયું

રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગ અંગે સિદ્ધપુર તાલુકાના ગામોમાં ખાસ જાગૃતિ અભિયાન યોજાયું
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
સિદ્ધપુર તાલુકાના સિદ્ધપુર, ઉમરૂ અને ગણેશપુરા ગામ ખાતે રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ૧૬ મે શનિવારના રોજ ખાસ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી જાગૃતિ અભિયાનનો લાભ લીધો હતો.
તાલીમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક અશ્વિનભાઈ ચૌધરીએ ખેડૂતોને રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગથી થતી હાનિ અંગે માહિતગાર કરી જૈવિક અને સેન્દ્રીય ખાતરોના વધુમાં વધુ ઉપયોગ માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ કુલદીપભાઈ દેસાઈએ જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગ તથા તેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
ખેતીવાડી વિસ્તરણ અધિકારી વિપુલભાઈ પરમારે ખેડૂતોને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપતા રાસાયણિક ખાતરોના માનવ સ્વાસ્થ્ય અને જમીનની ઉત્પાદકતા પર પડતા પ્રભાવ અંગે સમજણ આપી હતી. સાથે જ ખેડૂતોને સંતુલિત ખાતર વપરાશ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ગ્રામસેવક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
વધુમાં જણાવાયું હતું કે, આ ખાસ જાગૃતિ અભિયાન અંતર્ગત સિદ્ધપુર તાલુકાના વિવિધ ગામોમાં આગામી એક માસ સુધી તાલીમ કાર્યક્રમો યોજાશે અને ખેડૂતોને રાસાયણિક ખાતરના સમતોલ તથા સંકલિત ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવશે.
તાલુકાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી વિપુલભાઈ પરમારે જણાવ્યું હતું કે સિદ્ધપુર તાલુકામાં ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી આશરે ૯૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેલા ખેડૂતોને વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
