રાધનપુર કોલેજમાં ભવ્ય વય સેવા નિવૃત્તિ સમારોહ: બે કર્મચારીઓની સેવાઓને અપાયું માનભેર વિદાય સન્માન

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ટી.એ. ચતવાણી આર્ટસ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનાર અધ્યાપક ડૉ. રમેશભાઈ પરમાર અને ઓફિસ અધિક્ષક કમલેશભાઈ પટેલના વય સેવા નિવૃત્તિ પ્રસંગે ભવ્ય સમારોહ યોજાયો હતો. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બંને નિવૃત્ત થનારા કર્મચારીઓની કાર્યપ્રતિભા અને સંસ્થાપ્રત્યેની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ ડૉ. નવીનભાઈ ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તેમજ પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત કરી બંને નિવૃત્ત થનારા કર્મચારીઓની લાંબી અને નોંધપાત્ર સેવાઓને યાદ કરી તેમને સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ આપી માનભેર વિદાય આપવામાં આવી હતી.
વિદાય પ્રસંગે ડૉ. રમેશભાઈ પરમાર અને કમલેશભાઈ પટેલે પોતાના કાર્યકાળના અનુભવો વહેંચતા સંસ્થાની સાથે જોડાયેલા સંસ્મરણોને યાદ કર્યા અને સહકર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ. વી.બી. ખમાર, ડૉ. કે.ડી. અખાણી, ડૉ. રેજી જ્યોર્જ, ડૉ. એસ.કે. પ્રજાપતિ, ડૉ. એસ.એન. ઓઝા, ડૉ. રાજેશભાઈ ત્રિવેદી અને ભગુભાઈ પટેલ સહિતના વક્તાઓએ શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને યાદ કરી ભાવુક વાતાવરણ સર્જ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડૉ. કે.એસ. બારોટ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. બી.એ. કાનાબરે સંભાળ્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. ચિરાગ રાવલે વ્યક્ત કરી હતી. સમારોહમાં કોષાધ્યક્ષ ધીરુભાઈ ઠક્કર, વિવિધ કોલેજોના આચાર્યો, પરિવારજનો, આમંત્રિત મહેમાનો તેમજ કોલેજના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમગ્ર કોલેજ પરિવારમાં એક સાથે આનંદ અને વિદાયની લાગણી જોવા મળી હતી, જ્યાં એક તરફ સેવાઓનો ગૌરવ અનુભવાયો તો બીજી તરફ લાંબા સમયથી જોડાયેલા સાથીઓને વિદાય આપવાની ભાવુક ક્ષણો પણ સર્જાઈ હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
