રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા.
ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ રાપરિયા હનુમાનજી મંદિરે ચૈત્ર નવરાત્રી અને વીકએન્ડના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તોની ભારે અવરજવર વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે. શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં…
રાધનપુરના મહેસાણા હાઈવે પર આવેલ પ્રખ્યાત રાપરિયા હનુમાનજી મંદિરે ચૈત્ર નવરાત્રી તથા શનિવારના અવસરે ભારે ભીડ જામતી જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી અને દિવસભર મંદિરમાં શ્રદ્ધાળુઓનો મેળો લાગ્યો હતો.
રાધનપુર શહેર તેમજ સમગ્ર વઢિયાર વિસ્તારમાં આ મંદિર તમામ સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. મંદિરની સામે આવેલા ૨૧ દેવી-દેવતાઓના મંદિરો પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવતા ભક્તોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું.

ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે પગપાળા તેમજ વિવિધ વાહનો દ્વારા મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોએ લાડુનો પ્રસાદ ચઢાવ્યો, શ્રીફળ અર્પણ કર્યું અને વડાનો પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી. હનુમાનજી સમક્ષ શીશ નમાવી ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
શ્રી વઢિયાર રાપરિયા રામાનંદી સાધુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર શનિવારે ભક્તો માટે વિનામૂલ્યે ખીચડી અને છાશનો પ્રસાદ આપવામાં આવે છે. સાથે જ મંદિર આશ્રમ ખાતે રોજિંદા અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જ્યાં યાત્રાળુઓને મફત ભોજન આપવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રીના પાવન પ્રસંગે રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છેં.
રિપોર્ટ.અનિલ રામાનુજ, રાધનપુર.પાટણ
