શેઠ એમ.એન.હાઈસ્કૂલ, પાટણ ખાતે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની થઈ ભવ્ય ઉજવણી

શેઠ એમ એન હાઇસ્કુલમાં ગ્રાહક જાગૃતિ સેમિનારનું થયું વિશિષ્ઠ આયોજન
વિદ્યાર્થીઓને કાયદાકીય હકો અને છેતરપિંડી સામે રક્ષણ મેળવવાની રીતો વિશે અપાયું સચોટ માર્ગદર્શન
ચીજવસ્તુ ખરીદતી વખતે MRP, ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ તપાસવાની અનિવાર્યતા પર મૂકાયો ભાર.
ખરીદીના મજબૂત પુરાવા તરીકે વેપારી પાસેથી હંમેશા પાકું બિલ લેવા વિદ્યાર્થીઓને કરાયો અનુરોધ
વિદ્યાર્થીઓમાં ગ્રાહક તરીકેના અધિકારો અને ફરજો પ્રત્યે સભાનતા કેળવવાના ઉમદા હેતુથી, ઉત્તર ગુજરાત મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ નિમિત્તે એક વિશેષ ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સંસ્થાના જ અનુભવી શિક્ષકો વિપુલભાઈ પટેલ અને ડૉ.ગીતાબેન પરમારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા કાયદા અને ખરીદી કરતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે અત્યંત સરળ અને મનનીય શૈલીમાં વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને અનેક હકો મળેલા છે, જેનો ઉપયોગ કરીને તેઓ છેતરપિંડી સામે રક્ષણ મેળવી શકે છે.
રોજિંદા જીવનમાં ખરીદીના વ્યવહારોમાં જાગૃત રહેવા પર ભાર મૂકતા વક્તાઓએ જણાવ્યું હતું કે, કોઈપણ ચીજવસ્તુની ખરીદી કરતી વખતે તેના પરની MRP (મહત્તમ છૂટક કિંમત), ઉત્પાદન તારીખ અને Expiry Date (અંતિમ તારીખ) અચૂક તપાસવાની ટેવ પાડવી જોઈએ. વધુમાં, ખરીદીના સજ્જડ પુરાવા તરીકે હંમેશા વેપારી પાસેથી પાકું બિલ મેળવવાનો આગ્રહ રાખવો અનિવાર્ય છે. જો કોઈ ગ્રાહકને ક્ષતિયુક્ત સેવા કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ મળે, તો ડર્યા વગર ગ્રાહક ફોરમમાં કે યોગ્ય સ્તરે ફરિયાદ કરવાની પ્રક્રિયા વિશે પણ વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ માં ગ્રાહક જાગૃતિ અંગે ખૂબ જ સુંદર સમજ અને વિષય પ્રત્યે ઊંડો રસ વિકસ્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા મુખ્ય વક્તા તરીકે સેવા આપનાર બંને શિક્ષકો તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આભારવિધિ બાદ કાર્યક્રમ ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
