સાંથલી પીએચસી ખાતે HPV વેક્સિન સેશન: કિશોરી આરોગ્ય સુરક્ષા તરફ મહત્વપૂર્ણ પહેલ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સાંથલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા. 17 માર્ચ 2026ના રોજ HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન સુપરવાઈઝર (પુરુષ/મહિલા) તેમજ મહિલા આરોગ્ય કાર્યકર બહેનો દ્વારા કિશોરીઓને HPV વેક્સિન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. વેક્સિનના લાભો, જરૂરીયાત અને તેનાથી મળતા રક્ષણ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું, જેથી કિશોરીઓમાં જાગૃતિ વધે.
મેડિકલ ઓફિસર દ્વારા પણ HPV વાયરસથી થતી ગંભીર બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી અને ખાસ કરીને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ માટે આ વેક્સિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ સેશન દરમિયાન કુલ 12 કિશોરીઓને HPV વેક્સિન આપવામાં આવી. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા અને લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમ આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસો અને સ્થાનિક સ્તરે મળતી સહભાગિતાનું સારું ઉદાહરણ બન્યો છે, જેનાથી ભવિષ્યમાં વધુ કિશોરીઓ આરોગ્ય સુરક્ષા તરફ પ્રેરિત થવાની શક્યતા છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
