સમી તાલુકાના અમરાપુર ગામે માતાએ એકવર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું..

ઘરકંકાસ થી કંટાળી આપઘાતની આશંકા – સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ, પોલીસ તપાસ શરૂ
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમી તાલુકાના અમરાપુર ગામમાં એક માતાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસ અને માનસિક ત્રાસને લઈને આ કરુણ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોઈએ સમગ્ર અહેવાલ.
પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ગામની એક પરિણીતાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્ર સાથે ગામની સીમમાં આવેલા કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
સ્થાનિક લોકો દ્વારા કૂવામાં તપાસ હાથ ધરતા માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહોને બહાર કાઢી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી ગમગીન માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ હસતા-રમતા પરિવારને એક ઝટકે વિખેરી નાખ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે પરિણીતાનો પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઘરકંકાસને કારણે પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પરિણીતાને છેલ્લા લગભગ પાંચ વર્ષથી સાસરિયા પક્ષ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે પરિવારજનો દ્વારા સાસરિયા પક્ષના કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવા તંત્ર સમક્ષ માંગણી કરી છે. હાલ સમી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિણીતાએ આપઘાત કર્યો કે આ પાછળ અન્ય કોઈ કારણ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ આ સમગ્ર ઘટનાને લઈને સમી પોલીસ વધુ તપાસ કરી રહી છે. ત્યારે ઘરકંકાસ અને માનસિક ત્રાસના આક્ષેપો વચ્ચે બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર ,પાટણ
