વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ
સમી તાલુકાના વરાણા મુકામે આવેલા ખોડિયાર માતાજી ધામ ખાતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાના ભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવચંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક આયોજન બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં તાલુકા અને શહેર સ્તરે સંગઠન મજબૂત બનાવવું, બૂથ સ્તર સુધી સક્રિય કામગીરી ગોઠવવી અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ જીત મેળવવા માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા અને શહેર પ્રમુખોના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમી તાલુકાના પ્રમુખ પશાભાઈ રાઠોડ, રાધનપુર તાલુકાના પ્રમુખ ભેમાજી ઠાકોર અને રાધનપુર શહેર પ્રમુખ રફિકભાઈ ઘાંચીનું શાલ-શ્રીફળ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંતલપુર તાલુકાના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહીર, ધોકાવાડાના વાલાભાઈ આહીર, સાંતલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અણદુભા જાડેજા અને દહિસરના પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ સોઢાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન સંગઠનને વધુ ગતિશીલ બનાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખો, પૂર્વ પ્રમુખો, તાલુકા તથા નગરપાલિકાના વિરોધપક્ષના નેતાઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને માઇનોરીટી સેલના હોદેદારો સહિત પક્ષના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ધાર્મિક અને રાજકીય કાર્યક્રમના સમન્વય સાથે યોજાયેલ આ કાર્યક્રમને કાર્યકરોમાં નવા ઉત્સાહ અને સંકલ્પનો સંદેશ આપતો ગણવામાં આવ્યો હતો. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન સ્તરે સક્રિયતા વધારવાનો સ્પષ્ટ સંકેત આ પ્રસંગે જોવા મળ્યો હતો.
રિપોર્ટ:અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
