શાંતિ, સુરક્ષા અને સુચારુ આયોજન સાથે પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

૪૦ કેન્દ્રો પર ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ: જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ
જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપે સાકર અને બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવી
કેપિટલ મેસેજ, ન્યુઝ
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં પણ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે.
આ અવસરે પાટણની બી.એમ. હાઇસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને સાકરથી મોં મીઠું કરાવી, બોલપેન આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લામાં તમામ ૪૦ પરીક્ષા કેન્દ્રો પર સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનથી સઘન તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. દરેક કેન્દ્ર માટે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની નિમણૂક કરી દેખરેખની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં કુલ ૩૦,૭૧૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે:-
જેમાં ધોરણ ૧૦ માટે ૨૨ કેન્દ્રો પર ૧૮,૬૩૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે ૧૪ કેન્દ્રો પર ૧૦,૩૬૭ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૪ કેન્દ્રો પર ૧,૭૨૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષાના સંચાલન માટે એસ.એસ.સી.માં ૨ ઝોન અને એચ.એસ.સી.માં ૧ ઝોન રચી અસરકારક દેખરેખ ગોઠવવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને નિયમબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
