સ્વદેશી મેળો–2026 પાટણમાં મહિલા કળાશક્તિનો આત્મનિર્ભરતા તરફ પ્રેરક પ્રયોગ

ઇન્સ્ટન્ટ આર્ટથી ઇન્સ્ટન્ટ સફળતા: સ્વદેશી મેળામાં મહિલાની કમાલ: બ્રિન્દાબેન ખમારની સફળતા ગાથા
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો–2026’ માત્ર એક પ્રદર્શન કે વેપાર મંચ નહીં, પરંતુ સ્થાનિક કલાકારો અને ખાસ કરીને મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સોનેરી તક સાબિત થયો છે. આ મેળામાં પાટણની બ્રિન્દાબેન ખમારે પોતાની અનોખી ફેબ્રિક પેઇન્ટ ઇન્સ્ટન્ટ આર્ટ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે.
બ્રિન્દાબેનની કલા વિશેષ છે કારણ કે તેમની પેઇન્ટિંગ્સ “ઇન્સ્ટન્ટ અને કોન્સેપ્ટ બેઝ” છે. સામાન્ય રીતે ઓઇલ પેઇન્ટિંગ્સ સુકાવવા 18–20 કલાક જેટલો સમય લાગે છે અને વોટર કલર પણ તેની કન્સિસ્ટન્સી પ્રમાણે સમય લે છે, પરંતુ બ્રિન્દાબેનના ફેબ્રિક પેઇન્ટિંગ્સ ઝડપથી સુકાઈ જાય છે. તેઓ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુઇઝમ આધારિત વિવિધ આધ્યાત્મિક અને ધાર્મિક કોન્સેપ્ટ પર આધારીત ચિત્રો બનાવે છે, જે દર્શકોને માત્ર આકર્ષે જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે જોડે છે.

મેળા દરમિયાન તેમને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. વિશેષ વાત એ રહી કે તેમને ગ્રાહકો સુધી પહોંચવા માટે કોઈ ખાસ પ્રયત્ન કે એપ્રોચ કરવાની જરૂર પડી નથી; લોકો સ્વયં તેમના સ્ટોલ પર આવી તેમની કૃતિઓની પ્રશંસા કરતા હતા. પાટણના કલા પ્રેમીઓએ તેમની રચનાઓને ખૂબ પસંદ કરી અને ખરીદી કરી.
આર્થિક રીતે પણ આ મેળો બ્રિન્દાબેન માટે સફળ રહ્યો. દસ દિવસ દરમિયાન થયેલો સમગ્ર ખર્ચ પૂર્ણપણે કવર થયો અને બ્રેક-ઇવન પોઈન્ટ પાર કરીને તેમણે નફો પણ પ્રાપ્ત કર્યો. આ અનુભવ તેમના માટે આત્મવિશ્વાસ વધારતો અને પ્રેરણાદાયી રહ્યો.
બ્રિન્દાબેન જણાવે છે કે સ્વદેશી મેળા જેવી પહેલ મહિલાઓને પોતાની કલા પ્રદર્શિત કરવાની, સ્વાવલંબન તરફ આગળ વધવાની અને વ્યાપક ગ્રાહકવર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક આપે છે. તેઓ ભારત સરકાર, ગુજરાત સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જિલ્લા કલેકટર તથા સમગ્ર સરકારી તંત્ર અને આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. ગાંધીનગરથી લઈને પાટણના ગ્રાસરૂટ લેવલ સુધી કલાકારોને મળેલી આ તક ખરેખર પ્રશંસનીય છે.
‘સ્વદેશી મેળો–2026’ પાટણમાં માત્ર વેપાર મેળો નહીં, પરંતુ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી જીવંત પહેલ બની રહ્યો છે. બ્રિન્દાબેન ખમાર જેવી મહિલાઓની સફળતા ગાથા એનો જીવંત દાખલો છે કે યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તો સ્થાનિક કળાશક્તિ વૈભવ અને વિકાસ બંને મેળવી શકે છે.
