પાટણ: યુથ કોંગ્રેસનો BJP સામે રસ્તા રોકો વિરોધ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ અને વડાપ્રધાન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એપસ્ટિન ફાઈલ મુદ્દે શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે કાર્યકરો સૂત્રોચારો સાથે રસ્તા પર બેસી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. કાર્યકરો પૂતળા દહન કરે તે પહેલાં જ પોલીસ દોડી આવી પાંચથી વધુ કાર્યકરોની અટકાયત કરી અને હાઇવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો.

દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 બાદ દેશભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. અગાઉ ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન બાદ હવે એપસ્ટિન ફાઈલ મુદ્દે પાટણ જિલ્લામાં યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી. શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચારો કર્યા અને રોડ પર બેસી જતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ.

માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ધકકામુક્કી પણ સર્જાઈ. કાર્યકરો પૂતળા દહન કરે તે પહેલા જ પોલીસે પાંચથી વધુ કાર્યકરોને અટકાયત કરી ટ્રાફિક પુનઃ શરૂ કરાવ્યો.
યુથ કોંગ્રેસ પ્રમુખે પોલીસ પર બેવડી નીતિનો આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના કાર્યક્રમોમાં કાર્યવાહી થતી નથી જ્યારે કોંગ્રેસના કાર્યક્રમોમાં તરત અટકાયત થાય છે, અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
