દુર્લભ અને જટીલ સર્જરી સફળ: ૫૦ વર્ષીય મહિલાને નવજીવન

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના ધારપુર સ્થિત જીએમઇઆરએસ હોસ્પિટલ ધારપુર પાટણ ખાતે સર્જરી વિભાગ દ્વારા એક અત્યંત દુર્લભ અને જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સર્જરીને જિલ્લાની સરકારી આરોગ્ય સેવાઓ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
માહિતી મુજબ, તા. ૧૨-૧૨-૨૦૨૫ના રોજ પાટણ તાલુકાના આંકવી ગામની ૫૦ વર્ષીય મહિલા કમરના નીચલા ભાગમાં સતત દુખાવો તથા હલનચલનમાં તકલીફની ફરિયાદ સાથે સર્જરી ઓપીડીમાં તપાસ માટે આવી હતી. તા. ૧૫-૧૨-૨૦૨૫ના રોજ તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
દર્દીના ચોક્કસ નિદાન માટે જરૂરી લેબોરેટરી તપાસો, સોનોગ્રાફી, સિટી સ્કેન તથા એમઆરઆઈ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કમરના નીચલા ભાગે બિન-કેન્સરજન્ય “ટેલગટ્સ” ગાંઠ હોવાનું નિદાન થયું હતું, જેની સારવાર માત્ર સર્જરી દ્વારા જ શક્ય હતી.
ડોક્ટરોએ દર્દી તથા તેમના પરિવારજનોને સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી સંમતિ મેળવી ઓપરેશનનું આયોજન કર્યું હતું. તા. ૦૬-૦૧-૨૦૨૬ના રોજ ડો. જયેશ ગોહેલની આગેવાની હેઠળ સર્જરી ટીમે એનેસ્થેટીસ્ટ ટીમ સાથે મળીને આ દુર્લભ અને જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
ઓપરેશન બાદ દર્દીને ઘનિષ્ઠ સારવાર, જરૂરી દવાઓ અને ઇન્જેક્શન સાથે સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. હાલ દર્દી સંપૂર્ણપણે પીડામુક્ત થઈ સ્વસ્થ જીવન તરફ પરત ફરી રહ્યા છે.
સર્જરી વિભાગની આ સફળ કામગીરીને લઈને હોસ્પિટલ તંત્ર તેમજ તબીબી ટીમને અભિનંદન મળી રહ્યા છે.
