ખાતરના સંતુલિત ઉપયોગ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા તાલીમ આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સિદ્ધપુર તાલુકાના ખળી ગામ ખાતે “ખાતરના સંતુલિત ઉપયોગ” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં ખળી ગામના કુલ ૩૯ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમારના સ્વાગત ભાષણથી થઈ હતી. તેમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પાકની જરૂરિયાત, જમીનની ફળદ્રુપતા તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય માત્રા, યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી ખાતરનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. તેમણે મેક્રો તથા માઇક્રો પોષક તત્વોના સંતુલિત ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો હતો.
આ અવસરે વિષય નિષ્ણાત શ્રી એસ. એસ. દરજીએ સંતુલિત ખાતર ઉપયોગના ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સંતુલિત ખાતર ઉપયોગથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તામાં વધારો થાય છે, પોષક તત્વોની કાર્યક્ષમતા વધે છે તેમજ માટીનું સ્વાસ્થ્ય સુધરે છે. સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ખેડૂતોના ખેતી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
તાલીમ દરમિયાન ભારત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજના, પોષક તત્વ આધારિત સબસિડી, નીમ-કોટેડ યુરિયા, કસ્ટમાઇઝ્ડ અને ફોર્ટિફાઇડ ખાતરો તેમજ નેનો ખાતર જેવી પહેલોની માહિતી આપવામાં આવી હતી, જે સંતુલિત ખાતર ઉપયોગને પ્રોત્સાહન આપે છે.
કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ સાથે તાલીમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.
