રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..

સમાજ એકતા, યુવા સંગઠન અને ખેલભાવનાને પ્રોત્સાહન આપતું ત્રણ દિવસીય ક્રિકેટ મહોત્સવ શરૂ…
8 ટીમો, 88 ખેલાડીઓ અને ત્રણ દિવસ સુધી ક્રિકેટનો રોમાંચક માહોલ- સમાજના દાતાશ્રીઓ, યુવાનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સમારોહ યોજાયો…
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાધનપુર ખાતે શ્રી વઢિયાર વિભાગ રામાનંદી સાધુ યુવા સંગઠન દ્વારા આયોજિત રામાનંદી પ્રીમિયર લીગ – RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ ગુરુવાર સાંજે ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. સમાજમાં એકતા, ભાઈચારો, યુવાનોમાં ખેલભાવના અને સંગઠનશક્તિ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ 3, 4 અને 5 એપ્રિલ એમ કુલ ત્રણ દિવસ સુધી યોજાનાર છે, જેમાં 8 ટીમો અને 88 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટની શરૂઆત 3 એપ્રિલે સાંજે 8 વાગ્યે કરવામાં આવી હતી. ઓપનિંગ સમારોહ દરમિયાન સમાજના આગેવાનો, યુવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમગ્ર માહોલ ક્રિકેટમય બની ગયો હતો અને ખેલાડીઓ તેમજ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રાત્રિના પ્રકાશમાં યોજાતી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે શરૂઆતથી જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મેદાન પર ખેલાડીઓનો જુસ્સો, યુવાનોનો ઉત્સાહ અને સમાજના સભ્યોનો ઉમળકો સમગ્ર આયોજનને વધુ ભવ્યતા આપી રહ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં વિવિધ દાતાશ્રીઓએ હર્ષભેર સહભાગી બની આયોજનને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ટ્રોફીના દાતા તરીકે કૌશિકભાઈ બોલેરા,
બોલ અને મેન ઓફ ધ મેચના દાતા તરીકે ચેતનકુમાર ઠક્કર, તેમજ ટુર્નામેન્ટના દાતા તરીકે રત્નાકર પેટ્રોલિયમના મહેશ ઠક્કર, સાધુ વિકાસ, સાધુ ધવલ અને સાધુ દિનેશભાઈએ સહયોગ આપ્યો છે.
આ ઉપરાંત ખેલાડીઓની આરોગ્યસંભાળને ધ્યાનમાં રાખી મેડિકલ સેવા માટે સાધુ શૈલેષભાઈ – કમલા મેડિકલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. તેમજ મિનરલ પાણી અને ફાઈનલ મેચની શિલ્ડના દાતા તરીકે સાધુ મિતેશભાઈ ફિંચડીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આયોજક સમિતિ દ્વારા માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ જ નહીં પરંતુ મહેમાનો, ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે સુવ્યવસ્થિત સુવિધાઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પધારેલા તમામ મહેમાનો અને પ્રેક્ષકો માટે અલ્પાહાર અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેના કારણે ઉપસ્થિત લોકોએ આયોજનની પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ ટુર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજમાં એકતા, સહકાર, યુવા શક્તિ અને સંગઠનના ભાવને મજબૂત બનાવવાનો એક સકારાત્મક પ્રયાસ છે. સમાજના યુવાનો એક મંચ પર આવી રમત દ્વારા પરસ્પર જોડાય, સ્વસ્થ સ્પર્ધાનો ભાવ વિકસે અને સમાજ વધુ મજબૂત બને તેવો ઉમદા સંદેશ આ આયોજન દ્વારા આપવામાં આવી રહ્યો છે.
ઓપનિંગ સમારોહ દરમિયાન આયોજક કમિટીએ તમામ દાતાશ્રીઓ, સમાજના આગેવાનો, મહેમાનો અને સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજનમાં યુવા સંગઠનની સક્રિયતા, આયોજનશક્તિ અને સમાજ પ્રત્યેનો સમર્પિત અભિગમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
રાધનપુરમાં શરૂ થયેલ આ રામાનંદી પ્રીમિયર લીગ – RPL 2026 આગામી ત્રણ દિવસ સુધી ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચ, મનોરંજન અને સમાજ એકતાનો અનોખો ઉત્સવ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર,પાટણ
