સમરસ વિદ્યાર્થી પરિવાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી

કેપિટલ મેસેજ, ન્યુઝ
ભારત રત્ન બંધારણ ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલ નિમિતે ૧૩૫મી જન્મ જયંતિ નિમિતે સમરસ વિદ્યાર્થી પરિવાર તથા એસ. એસ. મ્યુઝિક દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમરસ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ડૉ. એલ. સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉદ્ઘાટક તરીકે ડૉ. નિતિનભાઈ છાત્રાલિયા હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને સમસ્ત સમાજ માટેના તેમના અમૂલ્ય યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન આવેલ મહેમાનો અને સમાજના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની વિશેષ આકર્ષણ બન્યું હતું.
કાર્યક્રમમાં વાવ-થરાદ અને પાટણ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએથી સમરસ વિધાર્થી પરિવારનાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક ઘનશ્યામ ઝુલા એ પોતાના ગાન દ્વારા સમગ્ર વાતાવરણને આંબેડકરમય બનાવી દીધું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શૈલેષભાઈ કાણોઠી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
