રાધનપુર બસ ડેપો ખાતે મુસાફરો માટે ઠંડી છાસ વિતરણ: કાળઝાળ ગરમીમાં માનવતાભર્યો પ્રયાસ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર : ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે મુસાફરોને રાહત મળે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના રાધનપુર બસ ડેપો દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી હતી. બસ સ્ટેશન પર આવતા જતા મુસાફરોને ઠંડી છાસનું વિતરણ કરી ગરમીમાંથી રાહત આપવામાં આવી હતી.
આ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે આજ રોજ રાધનપુર ડેપો ખાતે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસાફરોને ઠંડી છાસ પીવડાવવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં આ પ્રકારની માનવતાભરેલી સેવા લોકોને તાજગી અને રાહત આપનારી સાબિત થઈ.
કાર્યક્રમ દરમિયાન ડેપો મેનેજર વિશાલભાઈ સહિત ચિરાગભાઈ ચાવડા, બી.એમ. ગઢવી અને મહેશજી ઠાકોર હાજર રહી કામગીરીને સફળ બનાવી હતી. સાથે સાથે સદારામ બ્લડ સેવા સમિતિના કાર્યકર શૈલેશ ઠાકોર પણ ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, ઉનાળાની કઠોર ગરમીમાં મુસાફરોને સહાયરૂપ થવા માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમયની જરૂરિયાત છે. રાધનપુર ડેપો દ્વારા કરવામાં આવેલ આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.મુસાફરો દ્વારા પણ આ સેવાકીય પ્રયાસને વધાવી લેવાયો હતો અને ડેપો સ્ટાફ તથા સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
