પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો
કેપિટલ મેસેજ
Capital message
01, November, 2026
પાટણ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પાટણ એલ.સી.બી. દ્વારા વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના આરોપી સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને મધ્યસ્થ જેલ, જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને અસામાજિક તત્ત્વોની યાદીમાં સમાવિષ્ટ ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે પાટણના મોટા મદ્રેસા, બોકરવાડો વિસ્તારમાં રહેતા સદ્દામહુસેન કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી (ઉં.વ. ૩૫) વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના સુપરવિઝન હેઠળ પી.સી.સી. સેલ પાટણ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, પાટણ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને આધારે આરોપી સામે પાસા હેઠળ અટકાયતનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ હુકમની અમલવારી કરવા પોલીસ અધિક્ષક વી.કે. નાઈની સૂચના મુજબ એલ.સી.બી. પાટણની ટીમે કાર્યવાહી હાથ ધરી અટકાયતીને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પાસાના હુકમ મુજબ તેને મધ્યસ્થ જેલ, જુનાગઢ ખાતે મોકલી આપવા માટે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સદ્દામહુસેન ફારૂકી વિરુદ્ધ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૫ દરમિયાન પાટણ, મહેસાણા અને બોટાદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, જાનથી મારી નાખવાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, લૂંટ, જુગારધારા તથા પ્રોહિબિશન સહિતના કુલ ૧૬ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર કાર્યવાહી માટે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં પો.ઇન્સ.જે.જી.સોલંકી તથા એ.એસ.આઈ. રણવીરસિંહ ચમનસિંહે કામગીરી કરી હતી. જ્યારે અટકાયતીને ઝડપી પાડવાની કામગીરીમાં પો.સબ.ઇન્સ. એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી સહિત એલ.સી.બી.ના અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા. પાસાના હુકમની અમલવારીની કામગીરી પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. ભોયે તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
