કચ્છના સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી, ચાર પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની નાગરિકો સાથે ફાઇબર ફિશિંગ બોટ જપ્ત; ચારેયની ઓળખ અને સરહદમાં પ્રવેશવાના હેતુ અંગે તપાસની વિગતોની રાહ
કેપિટલ મેસેજ
Capital message
25, October, 2026
કચ્છ: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છના સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન ચાર પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનની એક ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઝડપાયેલા ચાર પાકિસ્તાની નાગરિકોની ઓળખ કાદિર થાઇમોર, મોહમ્મદ મૂસા, અસગર થાઇમોર અને અહસાન જાટ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં ચારેય પાકિસ્તાનના સિંધ પ્રાંતના ‘ચાચ જાન ખાન’ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિકો અને ફાઇબર બોટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
સરક્રિક વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોવાને કારણે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. આ વિસ્તારમાં BSF દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવે છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ચાર નાગરિકો અને બોટ મળી આવતાં તેમની હિલચાલ તથા સરહદી વિસ્તારમાં પહોંચવા પાછળના હેતુ અંગે તપાસનો વિષય બન્યો છે.
હાલ ઝડપાયેલા ચારેય પાકિસ્તાની નાગરિકો અંગેની વધુ વિગતો, તેઓ ભારતીય સરહદમાં કયા સંજોગોમાં પ્રવેશ્યા અને તેમની ફાઇબર બોટ ક્યાંથી આવી તે સહિતના મુદ્દાઓ અંગેની સત્તાવાર તપાસની વિગતોની રાહ જોવાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વધુ હકીકતો સ્પષ્ટ થશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
