પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
પાટણ LCBની મોટી કામગીરી: ચાર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હિંમતનગરથી ઝડપી
ઝડપાયો
હારીજ, મેઘરજ, બાયડ અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડી પાટણ LCBએ વધુ તપાસ માટે હારીજ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. હારીજ, અરવલ્લી જિલ્લાના મેઘરજ અને બાયડ તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી અજયકુમાર કનૈયાલાલ કહારને હિંમતનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા પાટણ જિલ્લા તેમજ અન્ય રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પાટણ LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ડમ્પર વેચાણના કરારના નામે છેતરપિંડીનો આક્ષેપ
હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, ફરિયાદીની ડમ્પર ગાડી નંબર GJ-24-X-5588 અને સાહેદ અરવિંદજીની ડમ્પર ગાડી નંબર GJ-12-BW-9606ના વેચાણ કરાર કરવામાં આવ્યા હતા. ફરિયાદીની ડમ્પર ગાડીની કિંમત રૂ. 29,36,400 અને સાહેદની ડમ્પર ગાડીની કિંમત રૂ. 28,49,200 હોવાનું નોંધાયું છે. આ બંને વાહનો વેચાણે રાખ્યા બાદ વાહનો અથવા તેમની કુલ રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2) અને 54 હેઠળ વર્ષ 2025માં ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં નાસતા ફરતા આરોપી અજયકુમાર કનૈયાલાલ કહાર, રહે. એફ/184, રાજલક્ષ્મી સોસાયટી, શિવમ વિદ્યાલય સામે, આજવા રોડ, કમલાનગર, વડોદરા,ને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હિંમતનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ચાર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં આરોપી વોન્ટેડ
પકડાયેલા આરોપી સામે હારીજ પોલીસ સ્ટેશન ઉપરાંત અરવલ્લી જિલ્લાના મેઘરજ અને બાયડ પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. આ ચારેય ગુનાઓમાં આરોપી નાસતો ફરતો હતો.
અગાઉના ગુનાઓનો પણ ઇતિહાસ
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આરોપી સામે અગાઉ પાટણ શહેર બી ડિવિઝન, વડોદરા શહેરના કિશનવાડી, વલસાડ રૂરલ, અરવલ્લીના ધનસુરા અને મોડાસા ટાઉન, વડોદરા ગ્રામ્યના દેસર, ભરૂચના રાજપારડી તેમજ ખેડા ટાઉન સહિતનાં પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ કેસોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો, મારામારી, ધમકી અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.
LCBની ટીમની કામગીરી
આ કામગીરીમાં પાટણ LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી અને પી.વી. ચૌધરી તેમજ એ.હેડ કોન્સ્ટેબલ કુલદીપકુમાર લક્ષ્મીદાસ, લખનકુમાર અમૃતભાઈ, હસમુખસિંહ અમરાભાઈ અને સતિષકુમાર અમથાભાઈ જોડાયા હતા.
ઝડપી પાડવામાં આવેલા આરોપીને હારીજ પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.
