પાટણ LCBએ ગાભણ ભેંસની કતલનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો

કનીજ ગામની સીમમાં 3 મહિના પહેલાં બનેલી ઘટનામાં એક આરોપી ઝડપાયો, બે સાગરીતોની શોધખોળ શરૂ
કેપિટલ મેસેજ
CAPITAL message
પાટણ: સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કનીજ ગામની સીમમાં આશરે ત્રણ મહિના પહેલાં થયેલી ગર્ભવતી ભેંસની કતલના અણઉકેલાયેલા ગુનાનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કનીજ ગામના રહેવાસી બેચરભાઈ વિરમભાઈ ઠાકોરે તા. 13 જૂન, 2026ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તા. 12 જૂનની બપોરથી તા. 13 જૂનની સવાર દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમની ગર્ભવતી ભેંસની કતલ કરી હતી. આ અંગે સમી પોલીસે BNS-2023ની કલમ 325 હેઠળ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સમીના અમરાપુર પાર્ટી વિસ્તારમાં રહેતા અલ્લારખા કાળુ સિન્ધીની સંડોવણી સામે આવી હતી. શંખેશ્વર પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલા અલ્લારખાની LCB ટીમે પૂછપરછ કરતાં કનીજ ગામની સીમમાં થયેલી ભેંસની કતલના ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ આ ગુનો પોતાના અન્ય બે સાગરીતો હારૂન જુમા સિન્ધી, રહે. જામવાડી, જામનગર અને મોહંમદ શાકીબ મનન, રહે. વટવા, અમદાવાદ સાથે મળીને કર્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે મુખ્ય આરોપી અલ્લારખા કાળુ સિન્ધીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
