દાત્રાણા-1 અને 2 આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો

સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકોની ઉપસ્થિતિ વચ્ચે THRના ઉપયોગ તથા કુપોષણ નિવારણ અંગે માર્ગદર્શન અપાયું
કેપિટલ મેસેજ
Capital message
સાંતલપુર ઘટકના ICDS વિભાગ દ્વારા ધોકાવાડા સેજાના દાત્રાણા-1 અને દાત્રાણા-2 આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના ઉપપ્રમુખ શ્રીમતી અલકાબેન પ્રજાપતિ, ગામના સરપંચ, આગેવાનો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ, આંગણવાડી કેન્દ્રના બાળકો તેમજ ICDS સ્ટાફ, કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રીમતી અલકાબેન પ્રજાપતિના હસ્તે પ્રમાણપત્રો તથા THRનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં ચેમ્પિયન રહેલા બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અલકાબેન પ્રજાપતિએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપતાં જણાવ્યું હતું કે બાળકોના પોષણ અને સર્વાંગી વિકાસ માટે THRનો વધુમાં વધુ અને યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે. બાળકો કુપોષણથી મુક્ત રહે તેમજ તેમના આરોગ્ય અને વિકાસ પર નિયમિત ધ્યાન આપવામાં આવે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે દાત્રાણા ખાતેની સ્માર્ટ આંગણવાડીની સુવિધાઓનો લાભ લેવા વાલીઓને ખાસ અપીલ કરી હતી અને બાળકોને નિયમિતપણે આંગણવાડી કેન્દ્ર ખાતે મોકલી શિક્ષણ તથા વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા અનુરોધ કર્યો હતો. સાથે જ બંને આંગણવાડી કેન્દ્રની કાર્યકર તથા તેડાગર બહેનો દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
આંગણ મિલન કાર્યક્રમથી બાળકો, વાલીઓ અને આંગણવાડી તંત્ર વચ્ચે વધુ સારો સંવાદ અને જોડાણ ઉભું થયું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
