રાધનપુર પોલીસે 9 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો: એક આરોપી ઝડપાયો, રૂ. 2.80 લાખનો મુદ્દામાલ કબજે

માસ્ટર કીથી બસ-રેલવે સ્ટેશન પર પાર્ક બાઈકને બનાવતો નિશાન: રાધનપુર, મુન્દ્રા અને અમદાવાદ કાલુપુર રેલવે પોલીસના ગુનાઓ ડિટેક્ટ
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર, પાટણ:
રાધનપુર પોલીસ દ્વારા અનડિટેક્ટ પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ શોધી કાઢવાની કામગીરી દરમિયાન વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ 9 ચોરીની મોટરસાઈકલ કબજે કરી રૂ. 2.80 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસની તપાસમાં રાધનપુર ઉપરાંત મુન્દ્રા અને અમદાવાદ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા રેન્જ આઈજી પરિક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા એસપી પ્રશાંત શુંબેના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં અનડિટેક્ટ પ્રોપર્ટી ઓફેન્સ ડિટેક્ટ કરવા રાધનપુર પોલીસ સ્ટેશન તેમજ ડિવિઝનની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઓક્ટોબર, 2026ના રોજ સુરેશ પંચાલની હોસ્પિટલ પાસેથી હીરો સ્પ્લેન્ડર બાઈક તથા 4 ઓક્ટોબરના રોજ રાધનપુર બસ સ્ટેશનના પાછળના ભાગેથી હોન્ડા લિવો બાઈક ચોરી થવાના બનાવો બન્યા હતા. બંને ગુનાઓમાં ઈ-એફઆઈઆર મારફતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વરસાડા ગામના જયેશભાઈ ભાવાભાઈ ચૌધરી ચોરીના બાઈક વેચવા માટે અલગ-અલગ વ્યક્તિઓનો સંપર્ક કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે તેને ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં કુલ 9 બાઈક ચોરી કરી હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે ચોરીની 9 મોટરસાઈકલ કબજે કરી છે.
માસ્ટર કીથી લાંબા સમયથી પાર્ક બાઈકને બનાવતો ટાર્ગેટ
રાધનપુરના ઈન્ચાર્જ એસડીપીઓ ડીવાયએસપી કુલદીપસિંહ પરમારે જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ દરમિયાન તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપી પાસે માસ્ટર કી હોવાની અને સ્પ્લેન્ડર સહિતની મોટરસાઈકલના લોક ખોલવા તેનો ઉપયોગ કરતો હોવાની માહિતી મળી છે.
ખાસ કરીને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા સ્થળોએ લાંબા સમયથી પાર્ક કરેલી મોટરસાઈકલને આરોપી ટાર્ગેટ કરતો હતો. તક મળતાં માસ્ટર કીથી બાઈકનું લોક ખોલી ચોરી કરી જતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે આરોપીએ અન્ય કેટલી બાઈક ચોરી કરી છે અને આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલુ હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.
આરોપીનો અગાઉનો પણ ગુનાહિત ઈતિહાસ
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી જયેશભાઈ ભાવાભાઈ અગાઉ પણ મુન્દ્રા, સાંતલપુર અને રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોરીના બાઈકના વેચાણ સંબંધિત વ્યક્તિઓ અંગે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી કુલદીપસિંહ પરમારે જણાવ્યું છે. બાઈકને કાયદેસરની જોગવાઈ મુજબ કબજે લેવામાં આવ્યા છે.
9 બાઈકમાંથી અનેક વાહનોના ગુનાઓ ડિટેક્ટ
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં હોંડા લિવો, હીરો એચ.એફ. ડિલક્સ, સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ અને સુપર સ્પ્લેન્ડર સહિતની કુલ 9 મોટરસાઈકલનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ. 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કામગીરીમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. વાઘીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા હવે આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય બાઈક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
