પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 6 બોગસ ડોક્ટરો ઝડપાયા
વાગડોદ, કાકોશી અને સરસ્વતી-સિદ્ધપુર તાલુકાના ગામોમાં એકસાથે દરોડા, દવા અને મેડિકલ સાધનોનો જથ્થો જપ્ત
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ : પાટણ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા જિલ્લામાં બોગસ તબીબો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેડિકલ ડિગ્રી કે કાયદેસર લાયકાત વગર લોકોની સારવાર કરીને તેમના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા કુલ 6 ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો તેમજ સારવારમાં ઉપયોગમાં લેવાતો અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
SOGની ટીમે વાગડોદ, કાકોશી તેમજ સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના અલગ-અલગ ગામોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસે દર્દીઓની સારવાર કરવા માટે જરૂરી માન્ય મેડિકલ ડિગ્રી કે કાયદેસર નોંધણી ન હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં તેઓ લાંબા સમયથી ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે તમામ સ્થળોએ તપાસ કરી મેડિકલ સાધનો, દવાઓ અને અન્ય સારવાર સંબંધિત સામગ્રી કબજે કરી છે. આ બોગસ તબીબોની પ્રવૃત્તિઓને કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક લોકોના આરોગ્ય સાથે જોખમી રીતે ચેડાં થઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
પાટણ SOGની આ કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા ઝોલાછાપ તબીબોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ આરોપીઓ સામે સંબંધિત કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો મળ્યા છે.
પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે સારવાર માટે હંમેશા નોંધાયેલ અને લાયકાત ધરાવતા તબીબનો જ સંપર્ક કરે અને કોઈ પણ શંકાસ્પદ રીતે ક્લિનિક ચલાવતા વ્યક્તિ અંગે પોલીસ અથવા આરોગ્ય વિભાગને જાણ કરે. જિલ્લા પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
