“નરેન્દ્ર મોદીજીના 12 વર્ષના નેતૃત્વથી દેશ બન્યો વધુ સુરક્ષિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર” – રમેશભાઈ રબારી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના 12 વર્ષના સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યકાળને લઈ વિવિધ ક્ષેત્રના નાગરિકો પોતાના અનુભવો અને પ્રતિસાદ વ્યક્ત કરી રહ્યા છે. આ સંદર્ભે પાટણ જિલ્લાના રહેવાસી રમેશભાઈ રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા પરિવર્તન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કાર્યકાળ દરમિયાન નર્મદા ડેમની ઊંચાઈ પૂર્ણ થતાં ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પાણીની સમસ્યાનું નિરાકરણ શક્ય બન્યું છે. આજે ગામડે ગામડે પીવાનું તેમજ સિંચાઈનું પાણી પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવનાર ઐતિહાસિક પગલું સાબિત થયો છે. દેશના નાગરિકો સલામત વાતાવરણમાં જીવન જીવી શકે અને રોજગાર-વ્યવસાય કરી શકે તે માટે દેશની સરહદો સુરક્ષિત હોવી જરૂરી છે, જે દિશામાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
આત્મનિર્ભર ભારત અભિયાન અંગે પોતાના વિચારો રજૂ કરતાં રમેશભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદન, સ્વરોજગાર અને ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગામડાંના ખેડૂતો અને નાના ઉત્પાદકો પોતાની પ્રોડક્ટ બનાવી, વેચી અને આત્મનિર્ભર બની શકે તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ રક્ષા ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ દેશ આગળ વધી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક પડકારો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૃઢ નેતૃત્વ અને કૂટનીતિના કારણે દેશ સ્થિર રીતે આગળ વધી રહ્યો છે. દેશના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા જળવાઈ રહી છે અને ભારતનું વૈશ્વિક સ્તરે માન-સન્માન સતત વધી રહ્યું છે.
અંતમાં રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, સુરક્ષા અને જનકલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે ભારત વિશ્વમાં એક મજબૂત અને પ્રભાવશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ આગામી સમયમાં પણ વિકાસના નવા શિખરો સર કરશે અને સામાન્ય નાગરિકોને વધુ લાભ મળશે.
