જનકલ્યાણ શિબિરથી લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ

પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાજ્ય સરકાર દ્વારા “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી તેમજ લાભો પ્રાપ્ત કર્યા હતા.
શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો, સહાયના ચેક, પ્રમાણપત્રો તથા અન્ય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિવિધ અરજીઓ સ્વીકારી તેનો સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. જનકલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને વિવિધ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી અને એક જ સ્થળે અનેક સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને છે.
શિબિરમાં ગ્રામજનોને આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ સંબંધિત સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ, કૃષિ સહાય, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, રોજગાર સહિત વિવિધ વિભાગોની સેવાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં લાભાર્થીઓએ રાજ્ય સરકારની જનહિતલક્ષી પહેલને આવકારી હતી.
