ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન

ડોક્ટર પાસેથી 25 લાખની ખંડણી માંગવાના કેસમાં નથવાણી દંપતીને આગોતરા જામીન મંજૂર: અદાલતએ આરોપીઓને બિનજરૂરી હેરાન ન કરવા પોલીસને સૂચના આપી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાજકોટ શહેરમાં ડોક્ટરના અંગત વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપી નથવાણી દંપતીની આગોતરા જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. સાથે જ કોર્ટે તપાસ અધિકારીને સ્પષ્ટ સૂચના આપી હતી કે આરોપીઓ તપાસમાં હાજર થાય ત્યારે તેમને બિનજરૂરી પરેશાની કે અસુવિધાનો સામનો કરવો ન પડે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૨), ૩૫૬(૩), ૫૪, ૬૧ તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ઈ), ૬૭ અને ૬૭(એ) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ ફરિયાદીના અંગત પળોના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા તથા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.ધરપકડથી બચવા માટે નથવાણી દંપતીએ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આરોપી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે પ્રસારીત થયેલા સમાચાર પત્રકારત્વની ફરજના ભાગરૂપે રજૂ કરાયા હતા અને સમાચાર પ્રસારિત કરતા પહેલા ફરિયાદીનો પક્ષ જાણવાનો પ્રયાસ પણ કરાયો હતો. સાથે જ જતીન નથવાણીએ અગાઉ વડોદરા પોલીસ કમિશનરને ધમકી અંગે લેખિત રજૂઆત કરી હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
વધુમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે સ્વાતી નથવાણી ફરિયાદીના દૂરના સગા સંબંધમાં આવે છે અને તેમની ભૂમિકા માત્ર ટેલિફોનિક વાતચીત સુધી મર્યાદિત હતી. વીડિયો રેકોર્ડિંગ અથવા ખંડણી માંગવાની પ્રવૃત્તિમાં તેમની સીધી કોઈ સંડોવણી નથી.બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતો સાંભળ્યા બાદ અદાલતે નથવાણી દંપતીની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. આ કેસમાં અરજદારો તરફથી એડવોકેટ ધર્મેશ નાનાલાલ શેઠ, હિત ધર્મેશ શેઠ, અંકુર ધર્મેશ શેઠ તેમજ કેવલ જે. પુરોહિત હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ
