રાજુલા તાલુકાના ડુંગર ગામે લીલાપીર બાપુની મજાર ખાતે ચોરીની ઘટના, પોલીસ તપાસ શરૂ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
અમરેલી: રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ પવિત્ર લીલાપીર બાપુની મજાર પર ગઈ રાત્રિના સમયે અજાણ્યા તસકરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે. મજાર પર રાખવામાં આવેલી ન્યાજની પેટીની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લીલાપીર બાપુની મજાર ખાતે રોજ સવાર-સાંજ દિવાબત્તી તેમજ નગારું વગાડવાની સેવા કનોજીયા વલ્લી સાયબાપુ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. તેઓ મૂંઝાવર તરીકે મજાર શરીફની દેખરેખ અને સંભાળ રાખી રહ્યા છે.
આજરોજ સવારે તેઓ નિયમિત રીતે દિવાબત્તી કરવા મજાર પર પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી ન્યાજની પેટી પોતાની જગ્યાએ ન જોવા મળતા તેમને શંકા ઉપજી હતી. ત્યારબાદ ગામના જાગૃત સેવાભાવી વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી અને તેમની સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. પ્લાસ સાહેબના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર અશરફભાઈ તેમજ વનરાજભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગામલોકોમાં આ બનાવને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
રીપોર્ટર : મહેશ બારૈયા- અમરેલી..
