HSC બોર્ડ પરીક્ષામાં શેઠ એમ. એન. હાઇસ્કુલ,પાટણ નું ગૌરવવંતુ પરિણામ

શેઠ એમ. એન હાઇસ્કુલનું 12 સામાન્ય પ્રવાહનું 97% અને સાયન્સ નું 70% ઉત્કૃષ્ઠ પરિણામ
રાવળ મિહિર ચંદ્રકાંતભાઈ 12 સામાન્ય પ્રવાહ માં 95.28 % તથા 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળા માં પ્રથમ.
શાળાના 4 વિધાર્થીઓ A1 ગ્રેડ સાથે શાળામાં અવ્વલ નંબરે.
બારોટ ધર્મ મયુરભાઈ 93.48 PR તથા A2 ગ્રેડ અને ગુજકેટમાં 96.95 માર્ક્સ સાથે પ્રથમ
આર્થિક સંકડામણ વચ્ચે પણ શેઠ એમ એન હાઇસ્કુલના શ્રમિક પરિવારોના રત્નોએ મેળવી અપ્રતિમ સિદ્ધિ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ શહેરમાં શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર રહેતી અને ‘ઉત્તર ગુજરાત યુવક મંડળ’ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણ દ્વારા ચાલુ વર્ષે ધોરણ-12 બોર્ડના પરિણામોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામોમાં શાળાએ પોતાની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખતા સામાન્ય પ્રવાહમાં 97% અને વિજ્ઞાન પ્રવાહમાં 70% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે.

શાળાનો તેજસ્વી વિદ્યાર્થી રાવળ મિહિર ચંદ્રકાંતભાઈ 95.28% ગુણ અને 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ અને જિલ્લાના ટોચના ક્રમમાં સ્થાન પામ્યો છે. મિહિરે આંકડાશાસ્ત્ર અને નામાના મૂળતત્વો જેવા વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી અપ્રતિમ સફળતા મેળવી છે. મિહિરે પોતાની સફળતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “મારી આ સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય મારા શાળાના શિક્ષકોના સચોટ અને સ્નેહપૂર્ણ માર્ગદર્શનને જાય છે, જેમણે મને દરેક તબક્કે પ્રોત્સાહિત કર્યો છે.”
મિહિર UPSC પાસ કરી ક્લાસ વન અધિકારી બનવા માગે છે.
આ ઉપરાંત શાળાના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પટેલ વિશ્વા નિલેશકુમાર (99.66 PR), પ્રજાપતિ મૌલિક દિનેશભાઈ (99.27 PR) અને રાવળ સુનીલ સહદેવભાઈ (96.5 PR) એ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ સી. એ. કરવા માગે છે.
આ પરિણામની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ટોચના ક્રમે આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યંત સાધારણ અને શ્રમિક પરિવારોમાંથી આવે છે. રાવળ મિહિરના પિતા કલર કામ કરે છે, પટેલ વિશ્વાના પિતા છૂટક ઇલેક્ટ્રિક કામ કરે છે, જ્યારે મૌલિકના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. આર્થિક સંકડામણ હોવા છતાં, વાલીઓનો સહકાર અને વિદ્યાર્થીઓની મક્કમતાને કારણે આ તેજસ્વી તારલાઓએ સમગ્ર શહેરમાં શાળાનું નામ રોશન કર્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. જેમાં બારોટ ધર્મ મયુરભાઈએ 93.48 PR અને A2 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધર્મે ગુજકેટ (GUJCET) ની પરીક્ષામાં પણ 96.95 માર્ક્સ મેળવી વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.
શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે શાળાના આ ઉજ્જવળ પરિણામ બદલ આનંદ અને હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ એ માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ વાલીઓનો અટલ વિશ્વાસ અને અમારા સમર્પિત શિક્ષકોની રાત-દિવસની મહેનતનું પરિણામ છે. ખાસ કરીને શ્રમિક પરિવારના બાળકો જ્યારે શાળા અને જિલ્લાની યાદીમાં સ્થાન મેળવે છે, ત્યારે અમારી સંસ્થાનું શિક્ષણ કાર્ય સાર્થક થયાનો આનંદ થાય છે.”
વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર સંચાલક મંડળ અને શાળા પરિવારે તમામ તેજસ્વી તારલાઓને અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરી છે.
તેજસ્વી તારલાઓની યાદી (વર્ષ 2025-26):
સામાન્ય પ્રવાહ:
રાવળ મિહિર સી.: 95.28%, 99.91 PR (A1) – આંકડાશાસ્ત્ર/એકાઉન્ટ (100/100)
પટેલ વિશ્વા એન.: 93.57%, 99.66 PR (A1)
પ્રજાપતિ મૌલિક ડી.: 92.14%, 99.27 PR (A1)
રાવળ સુનિલ એસ.: 96.62 PR (A1)
રાવળ હિરલ એલ.: 96.52 PR (A2)
વિજ્ઞાન પ્રવાહ:
બારોટ ધર્મ એમ.: 93.48 PR (A2) – ગુજકેટ: 96.95
પ્રજાપતિ હર્ષ એન.: 88.61 PR – ગુજકેટ: 79.75
પટેલ સુહાન જે.: 85.66 PR
