દુનાવાડા ખાતે અક્ષય તૃતીયાએ ‘કિસાન સંવાદ’ યોજાયો, ખેડૂતોને માર્ગદર્શન

કેપિટલ મેસેજ, ન્યુઝ
હારીજ તાલુકાના દુનાવાડા ગામે અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના પાવન અવસરે ‘કિસાન સંવાદ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના ઉત્થાન, સમસ્યાઓના નિરાકરણ અને ખેતીલક્ષી માર્ગદર્શન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ખેતી સાથે સંબંધિત વિવિધ સરકારની યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંચ પર ઉપસ્થિત આગેવાનો દ્વારા ખેડૂતોને આગામી ખેતી સીઝન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મહેશભાઈ દેસાઈ (મંત્રી- કિસાન મોરચો) રહ્યા હતા, જ્યારે મુખ્ય માર્ગદર્શક તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ- પાટણ જિલ્લા કિસાન મોરચો અને પ્રભારી) ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજુજી ઠાકોર (મંત્રી – પાટણ જિલ્લા કિસાન મોરચો) અને પ્રવિણભાઈ યોગી (મહામંત્રી – હારીજ કિસાન મોરચો)એ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.

અખાત્રીજના શુભ દિવસે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતોને નવી ટેક્નોલોજી તથા માર્ગદર્શન મળી રહે તે રહ્યો હતો. કાર્યક્રમ અંતે ખેડૂતોમાં ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
