ચાણસ્મા તાલુકા કિશાન મોરચા ની બેઠક વડાવલી ગામે યોજાઈ આગામી કાર્યક્રમોને લઈ આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે કિશાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકાના વિવિધ ગામોના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ખેડૂતોના પ્રશ્નોને અસરકારક રીતે ઉકેલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આવનારા સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ગામે ગામે કિશાન મોરચાનું જાળું વિસ્તૃત થાય તે માટે સંયોજકોની નિમણૂંક, ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવો તેમજ સરકારની યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ, સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને સક્રિય બની સંગઠનને મજબૂત બનાવવાનો આહ્વાન કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાર્યકરોને એકતા સાથે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
બેઠકનો અંત રાષ્ટ્રહિત અને ખેડૂતોના હિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
