સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પાટણ ભાજપમાં ભડકો…

દેવીપૂજક સમાજના સિનિયર આગેવાન દિનેશભાઈ પટણી સમર્થકો સાથે કોંગ્રેસમાં ‘ઘર વાપસી’
ટિકિટ વિતરણની નવી નીતિથી ભાજપમાં અસંતોષ ઉગ્ર, ચૂંટણી પૂર્વે પાટણના રાજકીય સમીકરણોમાં મોટો ઉથલપાથલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રાજકીય રણશિંગું ફૂંકાતાં જ વિવિધ પક્ષોમાં આંતરિક ગતિશીલતા અને રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને પાટણ શહેર અને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની અંદર ઉભરાતો અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવવા લાગ્યો છે. ટિકિટ વિતરણને લઈને ભાજપ દ્વારા અપનાવવામાં આવેલા નવા માપદંડો સામે કાર્યકરો અને જૂના આગેવાનોમાં નારાજગીનો માહોલ સર્જાયો છે, જેના સીધા રાજકીય પડઘા હવે સામે આવવા લાગ્યા છે.
ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 60 વર્ષથી વધુ વય ધરાવતા, સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડી ચૂકેલા તેમજ સગાવાદ (બ્લડ રિલેશન) ધરાવતા દાવેદારોને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવતા પક્ષની અંદર અસંતોષનું મોજું ફેલાયું છે. વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા અને સ્થાનિક સ્તરે સક્રિય રહી સંગઠન મજબૂત કરનારા અનેક આગેવાનો આ નિર્ણયથી અકળાઈ ગયા છે.
આ પરિસ્થિતિ વચ્ચે દેવીપૂજક સમાજના સિનિયર આગેવાન અને ભાજપના સક્રિય કાર્યકર દિનેશભાઈ સેંધાભાઈ પટણીએ પોતાની ટિકિટ કપાતા પક્ષ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. લાંબા સમયથી ભાજપમાં રહી પક્ષ માટે સક્રિય રીતે કામ કરનાર દિનેશભાઈ પટણીને ટિકિટ ન મળતા તેઓએ ભાજપ સાથેનો સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર વ્યક્તિગત અસંતોષ પૂરતો જ નહીં, પરંતુ તેમના સાથે જોડાયેલા વિશાળ સમર્થકવર્ગ અને દેવીપૂજક સમાજના આગેવાનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ નારાજગીના રાજકીય પરિણામરૂપે દિનેશભાઈ પટણી પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં ‘ઘર વાપસી’ કરતા પાટણની રાજકીય પરિસ્થિતિમાં નવા સમીકરણો ઊભા થયા છે. આ પક્ષપલટો માત્ર એક નેતાનો રાજકીય નિર્ણય નહીં, પરંતુ સ્થાનિક સ્તરે સામાજિક અને મતબેંકના દૃષ્ટિકોણે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે દેવીપૂજક સમાજની આસ્થા સમાન હડકમાઈ માતાના મંદિરે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા દિનેશભાઈ પટણી અને તેમના સમર્થકોને કોંગ્રેસ પક્ષમાં સત્તાવાર આવકાર આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ તરફથી દેવીપૂજક સમાજને રાજકીય પ્રતિનિધિત્વ અને સન્માન આપવાની સ્પષ્ટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વિશ્વાસ અપાવ્યો હતો કે આગામી નગરપાલિકા ચૂંટણીમાં દેવીપૂજક સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સમાજના યોગ્ય અને લાયક પ્રતિનિધિઓને ટિકિટ આપી પૂરતું સન્માન આપવામાં આવશે. આ નિવેદનને કારણે સમાજમાં કોંગ્રેસ પ્રત્યે નવા વિશ્વાસ અને રાજકીય આશાવાદનો માહોલ પણ સર્જાયો હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ દિનેશભાઈ પટણીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષે હંમેશા મારા સમાજની ચિંતા કરી છે. અગાઉ પણ કોંગ્રેસના શાસનમાં સમાજના વિસ્તારો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને મને પાટણ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે જવાબદારી આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. ભાજપમાં વર્ષોની મહેનત છતાં અવગણના અને ઉપેક્ષા અનુભવવી પડી, તેથી આજે મેં સ્વમાન સાથે ‘ઘર વાપસી’ કરવાનો નિર્ણય લીધો છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવે તેમનું મુખ્ય લક્ષ્ય પાટણ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં કોંગ્રેસને મજબૂત બનાવવાનું છે અને દેવીપૂજક સમાજ સહિત પછાત અને અવગણાયેલા વર્ગોના હકો માટે સક્રિય રીતે કામ કરવાની દિશામાં તેઓ આગળ વધશે.રાજકીય નિરીક્ષકોના મતે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપના પાયાના કાર્યકરો અને જૂના આગેવાનોમાં ઉભરાતી નારાજગી પક્ષ માટે ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને ટિકિટ વિતરણના નવા માપદંડોને કારણે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા સિનિયર અને પ્રભાવશાળી આગેવાનોમાં ઊભરાતો અસંતોષ જો આગામી દિવસોમાં વધુ ઊંડો બનશે, તો તેની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે.
પાટણમાં દિનેશભાઈ પટણી જેવા સિનિયર આગેવાનનું સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવું એ માત્ર એક પક્ષપલટો નહીં, પરંતુ ચૂંટણી પૂર્વે ભાજપ માટે રાજકીય ચેતવણી સમાન ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યું છે. દેવીપૂજક સમાજમાં તેમની પકડ અને સ્થાનિક સ્તરે તેમનો પ્રભાવ જોતા આ ઘટનાએ પાટણની રાજનીતિમાં નવા સવાલો ઊભા કર્યા છે.હાલ સમગ્ર ઘટનાક્રમને લઈને પાટણની રાજકીય ગરમી વધુ તેજ બની છે અને આવનારા દિવસોમાં ભાજપમાં વધુ અસંતોષ બહાર આવશે કે પક્ષ સંગઠન તેને કાબૂમાં લઈ શકશે તે જોવું રસપ્રદ બનશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પાટણમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે અને દિનેશભાઈ પટણીની ‘ઘર વાપસી’એ આ રાજકીય લડતને વધુ રસપ્રદ અને તીવ્ર બનાવી દીધી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
