પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

ચાણસ્માના ઝીલીયા ગામે હિંસક હુમલા બાદ પોલીસની કડક કાર્યવાહી, 18 આરોપીઓનું જાહેરમાં રી-કંટ્રકશન.
પોલીસ વાન પર હુમલો કરનારાઓ લૂખાતત્વોને જડબાતોડ જવાબ…. જાહેરમાં મેથીપાક ચખાડ્યો
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ તરખાટ મચાવ્યો હતો. હથિયારો સાથે તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીના 18 શખસોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળાના કારણે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓ લઈને ભાગવું પડ્યું હતું. મંદિરના ફાળા બાબતે થયેલી જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખસોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
એટલું જ નહીં, જાહેર માર્ગ પર આરોપીઓ પર દંડા વરસાવ્યા હતા. એકબાજુ પોલીસના દંડા વરસતા હતા અને બીજી બાજુ આરોપીઓ સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો. આરોપીઓને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે આ શખસો પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. ત્યારબાદ આરોપીઓને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી કડક હાથે કાયદાનું ભાન કરાવ્યું હતું.

પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ચાણસ્મા પોલીસે આરોપીઓના રિકંટ્રક્શન બાદ પાટણ કોર્ટમાં રજૂ કરી કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે 23 માર્ચ એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મળતી માહિતી મુજબ આરોપીઓની રિમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલા વાહનો અને હથિયારો બાબતે પુછપરછ કરી કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.
આખો બનાવ શું હતો?
ઝીલિયા ગામે આવેલા એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખસોએ હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મંદિરનો ફાળો ઉઘરાવવા મુદ્દે ચાલી રહેલા મનદુઃખને કારણે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.આ મામલે ચાણસ્મા પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી.
ગત (17 માર્ચ 2026) પાટણ એસપીએ ઝીલિયામાં બનેલી ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ સ્ટેશનના 3 અધિકારી અને 5 કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા હતા. જેમાં PI આર. એચ. સોલંકી, ASI હરેશ અરજણભાઈ અને HC સંજય મોહનલાલ સામેલ છે. તેમજ ફરજ પરના તમામ -5 GRDને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસની કડક કાર્યવાહી અને સરઘસ
બનાવની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર જહુ શંકુ ઠાકોર સહિત કુલ 18 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનથી બસ સ્ટેશન સુધી આ માથાભારે શખસોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે આ શખ્સો પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મગાવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓની યાદી

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં 18 શખ્સનો સમાવેશ થાય છે.
1. અશ્વિન શંકર ઠાકોર (ઉંમર 31)
2. સંદીપ જસવંત દરબાર (ઉંમર 27)
3. રણજીત પથુ ઠાકોર (ઉંમર 32)
4. મુકેશ કલ્યાણ ઠાકોર (ઉંમર 27)
5. કીર્તીકુમાર ઉર્ફે ટીના ઠાકોર (ઉંમર 32)
6. કિશન કનુ ઝાલા (ઉંમર 26)
7. કરણ દીલા ઠાકોર (ઉંમર 24)
8. વિપુલકુમાર વિનોદ ભીલ (ઉંમર 31)
9. રણજીતસિંહ લક્ષ્મણસિંહ દરબાર (ઉંમર 35)
10. સંજયસિંહ મફતસિંહ પરમાર (ઉંમર 30)
11. મધારસિંહ સોમા દરબાર (ઉંમર 28)
12. કરણસિંહ વિક્રમસિંહ ઠાકોર (ઉંમર 25)
13. વિક્રમસિંહ અમરસિંહ પરમાર (ઉંમર 35)
14. અજીતસિંહ કલ્યાણસિંહ ઠાકોર (ઉંમર 26)
15. જહા ઉર્ફે જહુર શંકુ (ઉંમર 50)
16. ભરત લક્ષ્મણ ઠાકોર (ઉંમર 32)
17. વાઘુ લક્ષ્મણ ઠાકોર (ઉંમર 30)
18. ભાવુ બાબા (ઉંમર 33)
હાલમાં પોલીસે તમામ 18 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પાંચ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ઝિલિયા ગામે બનેલી ઘટના સંદર્ભે ઝડપાયેલા કુલ 18 આરોપીઓ પૈકી જહાજી ઉર્ફે જહુરજી વિરુદ્ધ બાલીસણા તથા પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુના નોંધાયેલા છે. તેમજ રણજીતજી પથુજી ઠાકોર સામે સિદ્ધપુર, સરસ્વતી અને વિસનગર પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેમજ મુકેશજી કલ્યાણજી વિરુદ્ધ પણ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથક સહિત વિસનગર તાલુકા અને વિસનગર ટાઉન પોલીસ મથકે ગુનાઓ નોંધાયેલા છે. તથા કીર્તિ કુમાર ઉર્ફે ટીનાજી ઠાકોર સામે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે. વિપુલકુમાર વિનોદજી ભીલ વિરુદ્ધ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને જાહેરમાં માર મારતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો સીધું ઉલ્લંઘન થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આવા એક મામલે પોલીસ સામે લાલ આંખ કરી હતી
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
