રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણીચોરી- કોન્ટ્રાકટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વિનાજ સિંચાઈ

માર્ગ કામમાં સરકારી પાણીનો દુરુપયોગ, ખેડૂતોમાં ભારે રોષ- કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઊઠી
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યમાં કરવામાં આવી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરે નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કેનાલમાંથી સીધું પાણી ઉપાડી કામમાં વાપરવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે ખાનગી રીતે કરવાની હોય છે, છતાં પોતાની જવાબદારી ટાળવા સરકારી પાણીનો બેધડક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને ૨૪ કલાક સિંચાઈનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા છે, પરંતુ કેનાલમાંથી થતી આ બેફામ પાણીચોરીને કારણે આજુબાજુના ગામોના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો આ રીતે સતત પાણી ઉપાડવામાં આવશે તો સિંચાઈ માટે પૂરતું પાણી નહીં મળે તેવી ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીની અછત સર્જાશે તો પાક ઉત્પાદન સીધું અસરગ્રસ્ત થશે અને આર્થિક નુકસાન સહન કરવું પડશે.

ચોંકાવનારી બાબત એ છે કે આટલી ખુલ્લેઆમ પાણીચોરી થતી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે તંત્રને જાણ હોવા છતાં કાર્યવાહી ન થવી અનેક શંકાઓ ઊભી કરે છે અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
આ સમગ્ર ઘટનાને લઈ ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કડક પગલાં ભરે છે કે પછી ખેડૂતોના હિતો અવગણાશે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
