બાબરા સરકારી માધ્યમિક શાળામાં ધો-10ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય

બાબરા સરકારી માધ્યમિક શાળામાં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સન્માન સાથે યોજાયો કાર્યક્રમ..
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામ ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ તથા ગ્રામજનોએ ઉમંગભેર હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિદાય સમારંભને સત્તાવાર પ્રારંભ અપાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના મહત્વપૂર્ણ તબક્કાને યાદગાર બનાવવા માટે શાળાની તરફથી દરેક વિદ્યાર્થીને સુંદર ફાઇલ અર્પણ કરી તેમને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાળાના શિક્ષકમંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, મહેનત અને સંસ્કાર સાથે આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું તથા આગામી બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિએ આભારવિધિ કરી તમામ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદાય સમારંભમાં સરપંચ જીવણભાઈ આહિર, આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ચૌધરી, જીતુભાઈ રાવળ, પ્રભાતભાઈ ઠાકોર તથા શાળાના સેવક શૈલેષ ઠાકોર સહિત ગ્રામજનો અને શિક્ષકમંડળ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને લાગણીસભર વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
