શેઠ એમ. એન. હાઇસ્કુલ ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધામાં અવ્વલ નંબરે

ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા યોજાયેલ ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કુલ પ્રથમ નંબરે વિજેતા : એમ. એન. હાઇસ્કુલની વિજેતા ટીમ પ્રાંત કક્ષાએ ભાગ લેવા જશે
શેઠ એમ. એન. હાઇસ્કુલની વિજેતા ટીમ શિલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનિત
કેપિટલ મેસેજ
Capital message
ભારત વિકાસ પરિષદ–સિદ્ધહેમ શાખા, પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ‘ચેતના કે સ્વર’નું ભવ્ય અને સફળ આયોજન તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વકીલ ભવન, સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટી, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભાવના, દેશપ્રેમ અને સંસ્કારના ભાવોને ઉજાગર કરતી આ સ્પર્ધામાં પાટણની વિવિધ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો શુભારંભ સંપૂર્ણ ‘વંદે માતરમ્’ના ગાન અને દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણના વિદ્યાર્થીઓની ટીમે પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેઠ એમ. એન. હાઇસ્કુલમાં સંગીત શિક્ષકની સુવિધા ઉપલબ્ધ નથી. ભારત વિકાસ પરિષદ દ્વારા સંગીત શિક્ષકોની એક ટીમને એક દિવસ માટે બે કલાકના માર્ગદર્શન અર્થે શાળામાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ શાળાનાં મદદનીશ શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ જાતે જ સતત પ્રેક્ટિસ અને તૈયારી કરી હતી.
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ‘ચેતના કે સ્વર’માં શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણના વિદ્યાર્થીઓની ટીમે સુંદર તાલમેલ, સુમધુર સ્વર અને દેશભક્તિની ભાવના સાથે સમૂહગાન રજૂ કરીને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
આનંદ અને ગૌરવની વાત એ છે કે, આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કુલની ટીમ પ્રથમ નંબરે વિજેતા બની હતી. આ સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કુલની વિજેતા ટીમમાં નાયક સુહાની જે., પટેલ રિયા આર., પટેલ હાર્વી વી., પટેલ હાર્વી એ., ઓડ જીયા બી., પરમાર ઝલક જે., પટેલ જેની એસ. અને રામી આસ્થા આર. દ્વારા સુંદર સમૂહગાન રજૂ કરીને શાળાને વિજય અપાવ્યો હતો. જ્યારે સંગીતમાં સાથ આપનારા વિદ્યાર્થીઓ તરીકે પટેલ જોર્ક અને પટેલ હેત્વએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણની વિજેતા ટીમને શિલ્ડ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં શાળાનાં અત્યંત ઉત્સાહી મદદનીશ શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમારે ટીમને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના માર્ગદર્શન અને વિદ્યાર્થીનીઓની મહેનત, સમર્પણ તથા સતત તૈયારીના પરિણામે શાળાની ટીમ પ્રથમ નંબરે વિજેતા બની હતી. ટીમની તૈયારીમાં ડૉ. અલ્પેશભાઈ પટેલનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
આમ, ડૉ. ગીતાબેન પરમારના માર્ગદર્શન હેઠળ શેઠ એમ. એન. હાઇસ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું અને શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર વતી વિજેતા ટીમ, માર્ગદર્શક ડૉ. ગીતાબેન પરમાર અને સહયોગી ડૉ. અલ્પેશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શેઠ એમ. એન. હાઇસ્કુલની આ વિજેતા ટીમ હવે પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. સમગ્ર ટીમ પ્રાંત કક્ષાએ પણ સફળતાના નવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
‘ચેતના કે સ્વર’ જેવી સ્પર્ધા દ્વારા રાષ્ટ્રભક્તિના સ્વરો સાથે નવી પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સંસ્કારની ચેતના જગાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
