સમી-રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ ઘેરાયું

8 જેટલા પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટતા છનાટો, લોકો ભારે હાલાકી વચ્ચે નિરાશ પરત ફર્યા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના સમી અને રાધનપુર વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક કલાકોથી અનેક પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટી જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સમી તાલુકાના આશરે 8 જેટલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ ન હોવાના કારણે પંપો સૂમસામ અને બંધ હાલતમાં જોવા મળ્યા હતા. સામાન્ય દિવસોમાં વાહનોની અવરજવરથી ધમધમતા પેટ્રોલ પંપ આજે એકદમ ખાલી દેખાતા લોકોમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો હતો.
પેટ્રોલ પંપ પર ઇંધણ ન મળતા અનેક વાહનચાલકોને નિરાશ થઈ પાછા ફરવાની ફરજ પડી હતી. ખાસ કરીને ઇમર્જન્સી કામકાજ, હોસ્પિટલ, વેપાર-ધંધા તેમજ મુસાફરી માટે નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોએ પેટ્રોલ માટે એકથી વધુ પંપ પર ચક્કર લગાવ્યા હોવા છતાં ઇંધણ ન મળતાં મુશ્કેલી વ્યક્ત કરી હતી.
બીજી તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ હતું તેવા ગણતરીના પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ઇંધણ ખૂટી જવાની ભીતિના કારણે મોટાપાયે પેટ્રોલ ભરાવવાની દોડ પણ જોવા મળી હતી.

સમી અને રાધનપુર પંથકમાં ઉભી થયેલી આ પરિસ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસર જોવા મળી રહી છે. ખેડૂતોથી લઈને નાના વેપારીઓ અને દૈનિક અવરજવર કરતા લોકો સુધી સૌ કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેટ્રોલ પંપ સંચાલકો મુજબ સપ્લાયમાં વિલંબ અને જથ્થાની અછતને કારણે આ સ્થિતિ ઉભી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પૂરતો જથ્થો પહોંચાડવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માંગ ઉઠી છે. જો વહેલી તકે ઇંધણનો પુરવઠો શરૂ નહીં થાય તો આવનારા સમયમાં સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
